દાના વાવાઝોડાને લઈ અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડું ધીમે ધીમે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને 120 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાત પર વધુ એક સંકટની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.
હાલ ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, સાંજ સવારે રાજ્યમાં ઠંડીની અસર રહેશે. પરંતું કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી ગરમી પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં 35 થી 36 ડિગ્રી સુધી ગરમીનો તાપમાન રહેવાની શક્યતાઓ છે. દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે. હાલ ભારતમાં દાના વાવાઝોડાનું સંકટ છે, આ વચ્ચે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે વધુ ત્રણ વાવાઝોડા આવવાની આગાહી કરી છે. જેમાંથી એક વાવાઝોડુ ગુજરાતમાં અસર વર્તાવશે તેવુ જણાવ્યુ છે.
ગુજરાતમાં દાના વાવાઝોડાની ક્યાં થશે અસર? દાના વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે. આહવા, વલસાડ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અસર રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ દાના વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે. 70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સરહદના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. 26 ઓક્ટોબર સુધી દાના વાવાઝોડાની અસર જોવા મળશે.
નવેમ્બર-ડિસેમ્બર પણ આવશે વાવાઝોડુઃ અંબાલાલ પટેલ :- અંબાલાલ પટેલે એમ પણ કહ્યું કે, હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં એક પછી એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. તેમણે જણાવ્યુ કે નવેમ્બર, ડિસેમ્બરમાં પણ વાવાઝોડું આવવાની સંભાવના છે. ત્રીજા વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ વર્તાશે. વાવાઝોડાને લીધે ગુજરાતમાં માવઠાના એંધાણ છે. તાજેતરમાંજ ગુજરાત સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે વધુ એક વાવાઝોડું અને માવઠું હજી જેટલું નુકશાન કરશે.