રાજ્યના નગરો અને મહાનગરોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે કુલ રૂ.3,850 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા ચેક વિતરણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા અને નગરપાલિકાના પદાધિકારીઓને વિકાસ કામો માટે ચેક અર્પણ કર્યા હતા.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મહાનગરપાલિકાઓને રૂ.2,992 કરોડ અને 152 નગરપાલિકાઓને રૂ.858 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને સૌથી વધુ રૂ.870 કરોડ, સુરતને રૂ.770 કરોડ, વડોદરાને રૂ.285 કરોડ અને રાજકોટને રૂ.232 કરોડની ગ્રાન્ટ મળી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કામોમાં નાણાંનો સદુપયોગ થાય અને કામોની ગુણવત્તા જળવાય તે માટે પદાધિકારીઓ તથા અધિકારીઓને સંયુક્ત રીતે સાઇટ વિઝિટ કરવા સૂચના આપી હતી. નવા કામોની સાથે પૂર્ણ થયેલા જૂના કામોની જાળવણી પર પણ ધ્યાન આપવા તેમણે જણાવ્યું હતું.શહેરોમાં નવા રસ્તાઓ શક્ય હોય ત્યાં RCCના બનાવવા, સ્વચ્છતા જાળવવા તથા ગ્રીન કવર વધારવા પર મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો. નવી TP સ્કીમમાં વૃક્ષારોપણ માટે જમીન અનામત રાખવાના નિર્ણયનો અસરકારક અમલ કરવા પણ તેમણે સૂચન કર્યું હતું.
શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યમાં નાણાંના અભાવે કોઈ વિકાસ કામ અટક્યા નથી, હવે કામોની ગુણવત્તા અને ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને આયોજન કરવાની જરૂર છે. તેમણે શહેરોને વધુ હરિયાળા અને સ્વચ્છ બનાવવા પર ભાર મૂક્યો હતો.





