મહાકાલેશ્વર મંદિરમાં ભારે ભીડ વચ્ચે ભક્તોની હાલત લથડી : 13થી વધુ શ્રદ્ધાળુઓને સારવાર અપાઈ હોવાનો દાવો

ઉજ્જૈન: શ્રાવણ મહિનાના ત્રીજા સોમવાર અને નાગપંચમીના સંયોગને કારણે ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વર્ષમાં માત્ર એક વખત ખુલતા નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

photo credit by ANI

 

આ દરમિયાન નાગચંદ્રેશ્વર મંદિર ખાતે ભીડ વધુ થતાં કેટલાક શ્રદ્ધાળુઓની તબિયત લથડી હોવાના અહેવાલો સામે આવ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, 13થી વધુ શ્રદ્ધાળુઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. કેટલાક ભક્તો બેભાન થયા હોવાની પણ માહિતી સામે આવી છે. ફરજ પરના સુરક્ષા કર્મચારીઓએ અસરગ્રસ્ત શ્રદ્ધાળુઓને ભીડમાંથી બહાર કાઢી સારવાર માટે મોકલ્યા હોવાનું જાણવા મળે છે.જોકે, મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિએ નાસભાગની વાતને અફવા અને ભ્રામક ગણાવી છે. સમિતિના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ભક્તોને અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરવા અને માત્ર સત્તાવાર માહિતી પર આધાર રાખવાની અપીલ કરવામાં આવી છે.

એક જ દિવસે ત્રણ ધાર્મિક પ્રસંગો : મંદિર સમિતિના જણાવ્યા મુજબ નાગપંચમી, શ્રાવણ મહિનાનો સોમવાર અને ભગવાન મહાકાલેશ્વરની સવારી-આ ત્રણેય પ્રસંગો એક જ દિવસે હોવાથી ઉજ્જૈનમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ભક્તોની સુરક્ષા તથા સુવ્યવસ્થિત દર્શન માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સમિતિએ જણાવ્યું છે.

6.19 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં : મંદિર સમિતિના જણાવ્યા અનુસાર સવારથી અત્યાર સુધીમાં 6.19 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભગવાન મહાકાલના દર્શન કરી ચૂક્યા છે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હોવા છતાં વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હોવાનું સમિતિએ જણાવ્યું છે.મંદિર સમિતિએ ભક્તોને અપીલ કરી છે કે નાસભાગ કે અન્ય કોઈ ઘટના અંગેના ભ્રામક અને અપ્રમાણિત સંદેશાઓ સોશિયલ મીડિયા પર ફોરવર્ડ કે શેર ન કરે અને કોઈપણ માહિતી માટે માત્ર સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ રાખે.

 

error: Content is protected !!