ગુજરાતમાં માવઠાને કારણે ખેતરમાં તૈયાર થયેલો ઉભો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. ત્યારે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. કમોસમી વરસાદને પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ખેડૂતો અસરગ્રસ્ત થયાં છે. મુખ્યમંત્રીએ સિનિયર મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટે સૂચના આપી હતી.
રાજ્યમાં થયેલા માવઠાને કારણે અનેક વિસ્તારોમાં રોડ અને રસ્તાને નુકસાન પહોંચ્યું છે. ક્યાંક કોઝવે પર પાણી ફરી વળ્યા છે તો ક્યાંક નદીના બ્રિજ પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. મગફળી, કપાસ, સોયાબિન, ડાંગર સહિતના પાકોનો સોથ વળી ગયો છે. તૈયાર થયેલો પાક ઉતારવાની તૈયારી હતી અને માવઠું થતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.રાજ્ય સરકારે માવઠાથી થયેલા નુકસાનની સ્થિતિ જોઈને આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીઓને રાજ્યમાં માવઠાને કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમા જવા માટે સૂચના આપવામાં આવી હતી. કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા, નરેશ પટેલ અને જયરામ ગામિતને જિલ્લા તંત્ર સાથે સંકલનમાં રહીને કામગીરી કરવા માટે મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે.





