સાયબર ઠગોએ IPS અને CBI ઓફિસર બની ધમકાવ્યા : નવસારીમાં વૃદ્ધ દંપતીને ‘ડિજિટલ એરેસ્ટ’ કરી 12 લાખની છેતરપિંડી

નવસારી શહેરમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઠગોએ એક 73 વર્ષીય વૃદ્ધા અને તેમના પતિને મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, સતત 20થી વધુ દિવસ સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ રાખી રૂ.12 લાખ પડાવી લીધા હતા. આ અંગે નવસારી સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી આશાબેન પંકજભાઈ ગજ્જર (ઉ.વ.73) ના જણાવ્યા અનુસાર, ગત 18 જાન્યુઆરીના રોજ તેમના પતિના મોબાઈલ પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. સામે પક્ષે પોતાની ઓળખ ટેલિફોન ડિપાર્ટમેન્ટના કર્મચારી તરીકે આપી જણાવ્યું હતું કે તમારા નામે એક શંકાસ્પદ મોબાઈલ નંબર ચાલી રહ્યો છે. ત્યારબાદ આ કોલ દિલ્હી પોલીસ હેડ ઓફિસમાં ટ્રાન્સફર કરવાનું નાટક રચવામાં આવ્યું હતું.ઠગોએ આશાબેનના પતિને વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો હતો, જેમાં સામે બેઠેલા શખ્સે પોલીસ યુનિફોર્મ પહેર્યો હતો. તેણે આશાબેનના પતિની બેંક પાસબુક અને આધારકાર્ડની વિગતો બતાવી દાવો કર્યો હતો કે તેમના વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ છે. ઠગોએ ડર બતાવ્યો હતો કે જો તેઓ સહકાર નહીં આપે તો પોલીસ તેમની ધરપકડ કરશે. ત્યારબાદ ઠગોએ અલગ-અલગ પાત્રો ભજવી દંપતીને માનસિક દબાણમાં લીધું હતું,IPS સુનીલકુમાર ગૌતમ ના નામે ઓળખ આપી ઠગ દર કલાકે દંપતી પાસે ‘We are safe’ (અમે સુરક્ષિત છીએ) તેવા મેસેજ કરાવતો હતો. જયારે CBI ઓફિસર પ્રદીપસિંહ ના નામે ઓળખ આપી દંપતીને કોર્ટ અને RBIના નકલી લેટરો મોકલી તપાસમાં જોડાવા દબાણ કર્યું હતું.

ઠગોએ દંપતીને વિશ્વાસમાં લીધું કે તેમના ખાતાની તપાસ કરવી પડશે. આથી ગભરાયેલા દંપતીએ બેંકમાં જઈ પોતાની 9 ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડાવી હતી. ઠગોના જણાવ્યા મુજબ, કેથોલિક સિરિયન બેંકના ‘અપ્પુ કુમાર’ નામના ખાતામાં RTGS મારફતે રૂ.12,00,000 ટ્રાન્સફર કરી દીધા હતા. પૈસા ટ્રાન્સફર થયા બાદ ઠગોએ જણાવ્યું હતું કે 24 કલાકમાં તપાસ પૂર્ણ થયા પછી રકમ પરત મળી જશે. જોકે, નિર્ધારિત સમય બાદ ઠગોના ફોન બંધ થઈ ગયા હતા, જેથી દંપતીને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. આખરે તેમણે સાયબર હેલ્પલાઈન 1930 પર જાણ કરી નવસારી સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!