મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ફરજ અને ધૈર્યનો એક અત્યંત કરુણ કિસ્સો સામે આવ્યો છે. ગેવરાઇ તહેસીલના ૧૬ વર્ષીય વિદ્યાર્થી યુવરાજ પાચપુતેએ તેના પિતાના અંતિમ સંસ્કાર પહેલા ધોરણ ૧૦ (SSC) ની પરીક્ષા આપીને પિતાના સપનાને પ્રથમ પ્રાથમિકતા આપી હતી.
યુવરાજના પિતા, સંતોષ પાચપુતે મંગળવારે રાત્રે બે કાર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન બુધવારે વહેલી સવારે તેમનું કરુણ અવસાન થયું હતું. એક તરફ ઘરમાં પિતાનો પાર્થિવ દેહ પડ્યો હતો અને આખું પરિવાર શોકમાં ડૂબેલું હતું, ત્યારે બીજી તરફ યુવરાજની કારકિર્દીનો મહત્વનો પડાવ એવી બોર્ડની પરીક્ષા હતી.ઘરે સંબંધીઓ અને પડોશીઓની ભીડ જામી હતી, પરંતુ પરિવારે અત્યંત કપરા સમયે હિંમત બતાવી હતી. પિતાના નિધનથી યુવરાજના શિક્ષણ પર કોઈ અસર ન પડે તે હેતુથી પરિવારે નિર્ણય લીધો કે તે પહેલા પરીક્ષા આપવા જશે.યુવરાજ ભારે હૈયે પરીક્ષા કેન્દ્ર પહોંચ્યો હતો અને પેપર પૂર્ણ કરીને ઘરે પરત ફર્યો હતો. તેના પરત આવ્યા બાદ જ પિતાના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. કિશોર અવસ્થામાં યુવરાજે બતાવેલી આ અદમ્ય હિંમત અને શિક્ષણ પ્રત્યેની તેની નિષ્ઠા જોઈને સમગ્ર પંથકમાં તેની પ્રશંસા સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.





