નાશિક: નાશિક જિલ્લામાં બોગસ ચલણી નોટો છાપવાના ગેરકાયદેસર કારખાનાનો પોલીસે પર્દાફાશ કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તળેગાવ શિવાર વિસ્તારમાં આવેલા એક બંગલામાં દરોડો પાડી બોગસ નોટો તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ, સાધનો, કોરા કાગળોના બંડલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અમરેશ્વર સુધાકર આઇથા, દસારી પ્રસાદ સત્યઇ, ગોકુલ આનંદરાવ દાતે, હિરામણ પૂંજા દાતે અને મચ્છીન્દ્ર ભગવાન ઘનદાટ તરીકે થઈ છે.નાશિક-ત્ર્યંબકેશ્વર માર્ગ પર તળેગાવ શિવાર વિસ્તારમાં આવેલા બંગલામાં બોગસ ચલણી નોટો છાપવામાં આવતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરતા બોગસ નોટો તૈયાર કરવા માટેનું ગેરકાયદેસર કારખાનું મળી આવ્યું હતું.દરોડા દરમિયાન પોલીસે કુલ રૂ. 7.50 લાખની રોકડ જપ્ત કરી હતી, જેમાં રૂ. 500ના દરની 1,950 અસલ ચલણી નોટોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બોગસ નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ અને અન્ય સાધનો પણ કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રૂ. 500ના દરની બોગસ ચલણી નોટો તૈયાર કરતા હતા. તેઓ રૂ. 10 લાખના બદલામાં રૂ. 30 લાખની બોગસ નોટો આપવાની લાલચ આપતા હોવાનું પણ પોલીસનું કહેવું છે.આવા જ એક શંકાસ્પદ વ્યવહાર અંગે પોલીસને માહિતી મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. મળેલી વધુ બાતમીના આધારે કાર્યવાહી કરતાં સમગ્ર બોગસ ચલણી નોટો છાપવાના કારખાનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.





