ડોલવણના પીપલવાડાના ખેડૂત પાસે પાર્સલ આવ્યું હોવાથી જેને છોડાવવા તેમજ જેમાં મોંઘી વસ્તુ, પાઉન્ડ વિગેરે હોવાની વિવિધ બાબતોની લાલચ આપી 47 હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લઈ ઓનલાઈન છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકે થઈ છે.
મળતી માહિતી પ્રમાણે ડોલવણ તાલુકાના પીપલવાડા ગામના રહીશ રણછોડભાઈ ભીખુભાઈ કોંકણી ખેતીકામ કરી પત્ની અને બે સંતાનોનું ગુજરાન ચલાવે છે. તા.02-02-25ની રાત્રિએ અજાણ્યા નંબરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં જણાવ્યું કે તમારું દુબઇથી આઈ ફોનનું પાર્સલ આવ્યું છે, જે વિડીયોકોલથી બતાવ્યું હતું, જેના માટે 4 હજાર રૂપિયા મોકલવા પડશે કહેતા જે નાણાં ન હોવાથી તેમના મિત્ર પાસેથી ટ્રાન્સફર કરાવ્યા હતા.ત્યારબાદ ફરી કોલ આવ્યો કે પાઉન્ડ પણ આવ્યા છે કહી 13 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું.તે ખેડૂતે બીજા મિત્ર પાસેથી ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ પાઉન્ડ રૂપિયામાં ફેરવવા માટે નાણાની માંગણી કરી હતી. ખેડૂત પાસે પ્રથમ 4 હજાર રૂપિયા પાર્સલ માટે ત્યારબાદ કયુઆર કોડ મોકલી ફરીથી 17 હજાર અને ઈદુદેવીના એકાઉન્ટમાં 25 હજાર તથા અન્ય એક ખાતાધારક શંભુ સહાનીના ખાતામાં રૂપિયા 5 હજાર મળી જુદીજુદી રીતે કુલ રૂપિયા 47 હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.ગઠિયાએ રૂપિયા 12.49 લાખ જેટલી રકમ જમા થશેનો વિશ્વાસ ખેડૂતને આપી ઓનલાઈન નાણાં ખંખેરી લીધા હતા. જોકે ખેડૂતના ખાતામાં નાણાં જમાં ન થતા આખરે ફ્રોડ થયાનો અહેસાસ થતા તા.18મી ફેબ્રુઆરી ના રોજ અજાણ્યા ઇસમ સામે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.