ગુજરાતમાં ખેડૂતોનો ડેટા હવે વધુ સુરક્ષિત: કૃષિ વિભાગે ‘વિભાગીય ડેટા સમિતિ’ની રચના કરી

રાજ્ય સરકારે ખેડૂતોની વ્યક્તિગત અને કૃષિ સંબંધિત માહિતીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે ‘વિભાગીય ડેટા સમિતિ’ (Departmental Data Committee-DDC)ની રચના કરી છે.

કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ-2023 (DPDP Act) અને ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક હેઠળ રચાયેલી આ સમિતિ ખેડૂતોના ડેટાનું સુરક્ષિત, પારદર્શક અને નિયમબદ્ધ સંચાલન કરશે. કૃષિ વિભાગ ઉપરાંત તેના બોર્ડ-નિગમો અને કૃષિ યુનિવર્સિટીઓના ડેટાની પણ દેખરેખ રાખવામાં આવશે.

સમિતિનું નેતૃત્વ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અથવા સચિવ કરશે. તેમાં મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી (CISO), આઈટી અને કાયદાકીય નિષ્ણાતો તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે.

ખેડૂતોની વ્યક્તિગત, બેંકિંગ અને અન્ય સંવેદનશીલ માહિતીનો ઉપયોગ માત્ર તેમની સંમતિથી જ થઈ શકશે. દરેક સંમતિનો રેકોર્ડ સુરક્ષિત અને ટ્રેક કરી શકાય તેવી વ્યવસ્થામાં રાખવામાં આવશે. જો કોઈપણ પ્રકારનો ડેટા ભંગ (ડેટા બ્રીચ) થશે તો તેની તાત્કાલિક જાણ રાજ્યના સંબંધિત સત્તામંડળને કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરાશે.

કૃષિ વિભાગના તમામ ડેટાનું પાંચ શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવશે. જાહેર ઉપયોગની માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાશે, જ્યારે ખેડૂતોની ખાનગી માહિતી સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં આવશે.

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આ નવી વ્યવસ્થાથી ખેડૂતો સુધી સબસિડી, પાક વીમો, કુદરતી આપત્તિ સહાય સહિતની વિવિધ યોજનાઓનો લાભ વધુ ઝડપથી અને પારદર્શક રીતે પહોંચશે. સાથે જ ડેટાના દુરુપયોગ, છેતરપિંડી અને સાયબર જોખમો પર અસરકારક નિયંત્રણ મળશે. ઉપરાંત, વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત ડેટાના આધારે ભવિષ્યની કૃષિ નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓ વધુ અસરકારક રીતે તૈયાર કરી શકાશે.

error: Content is protected !!