ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસ ખૂબ જ વધી ગયો છે. જેના કારણે કેટલાક લોકો આપધાત પણ કરી લેતા હોય છે. સાબરકાંઠાના ઇડરમાં જ આવી ઘટના પ્રકાશમાં આવી છે. ઈડરમાં વ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્રએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પિતા-પુત્રએ કૂવામાં કૂદીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી દીધી છે. મળતી વિગતો પ્રમાણે વ્યાજખોર રૂપિયા લેવા માટે વારંવાર પઠાણી ઉઘરાણી કરતો હોવાથી ફીંચોડ પરિવારના બે વ્યક્તિએ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે.
પરિવારે આક્ષેપ કર્યો છે વ્યાજખોર ઘરે આવીને ધાકધમકી આપી રૂપિયાની ઉઘરાણી કરતો હતો. વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવા માટે પરિવારે માંગણી કરી હતી. પિતાએ વ્યાજખોર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા તે આપી દીધા હોવા છતાં પણ વ્યાજખોર રૂપિયાની ઉઘરાણી કરતો હતો. જેથી આત્મહત્યા કરી હોવાનું લાગી રહ્યું . જો કે, પોલીસને આ બાબતે કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી, જેમાં આત્મહત્યાનું કારણ લખેલું હોય! ઘટનાની તપાસ કરતા મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આખરે શા માટે આત્મહત્યા કરી? વ્યાજખોરોને ત્રાસ હતો કે કોઈ બીજું કારણ હતું? તે દરેક દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી છે.