શહેરના લિંબાયત વિસ્તારમાં ત્રણ સંતાનના પિતાએ ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. મૃતકની છેલ્લા દોઢ મહિનાથી સંચાખાતાની નોકરી છૂટી જતા ઘરકંકાસ થતા કંટાળી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ લિંબાયત વિસ્તારમાં આવેલી શ્રીનાથ સોસાયટી વિભાગ-૪માં રહેતા વિનોદભાઈ ઉત્તમભાઈ પાટિલ સંચાખાતામાં નોકરી કરી પત્ની તથા બે પુત્રી અને પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.
જોકે છેલ્લા દોઢ મહિનાથી તેમની આ નોકરી છૂટી ગઈ હતી.જેને કારણે તેઓ બેકાર બન્યા હતા. તેમને દારૂ પીવાની કુટેવ હોવાથી અવારનવાર ઘરમાં ઝઘડાઓ થતા હતા. આખરે ઘરકંકાસથી કંટાળીને તેમણે રવિવારે રાત્રે પોતાના ઘરમાં છતના પંખા સાથે રૂમાલ બાંધી ફાંસો ખાઈ લેતા પરિવારજનો સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પિતાના અકાળે મોતને પગલે ત્રણ સંતાનને પિતાનું છત્ર ગુમાવ્યું હતું. આપઘાતના બનાવ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી હતી.