ગુજરાત પોલીસ દ્વારા પ્રયાગરાજના એક યુટ્યુબર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો બનાવીને તેને અપલોડ કરતા હતા. જ્યારે મહિલાઓના કથિત રીતે વાંધાજનક વીડિયો પોસ્ટ કરવા બદલ વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે 17 એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમના પર યુટ્યુબ અને ટેલિગ્રામ પર આવા વીડિયો અપલોડ કરવાનો આરોપ છે.
આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમના ડેપ્યુટી કમિશનરએ જણાવ્યું હતું કે પ્રયાગરાજના રહેવાસી ચંદ્ર પ્રકાશે થોડા મહિના પહેલા ‘સીપી મોન્ડા’ નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી અને મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો અપલોડ કર્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મહિલાઓના વાંધાજનક ફૂટેજ પણ મળી આવ્યા હતા. બુધવારે પ્રયાગરાજથી ચંદ્ર પ્રકાશની ધરપકડ કરવામાં આવી હતી.તેની સાથે મહારાષ્ટ્રના લાતુર અને સાંગલીથી પ્રજ્વલ તેલી અને પ્રાજ પાટિલની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેના પર સબ્સ્ક્રાઇબર્સ પાસેથી પૈસા કમાવવાના ઉદ્દેશ્યથી ટેલિગ્રામ એપ પર રાજકોટ સ્થિત હોસ્પિટલના દર્દીઓ સહિત મહિલા દર્દીઓના વાંધાજનક વીડિયો અપલોડ કરવાનો આરોપ છે.
તેમની ચેનલ પર અપલોડ કર્યા હતા : તેમણે વધુમા જણાવ્યુ હતુ કે પ્રજ્વલ અને પ્રાજે હેકર્સ પાસેથી મહિલા દર્દીઓના વીડિયો મેળવ્યા હતા. ચંદ્ર પ્રકાશે અન્ય યુટ્યુબ ચેનલો પરથી વીડિયો ડાઉનલોડ કર્યા હતા અને તાજેતરમાં જ તેમની ચેનલ પર અપલોડ કર્યા હતા. તેમણે કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ કે શું તેમનો આ વીડિયો વેચવાનો પણ ઈરાદો હતો.
1લી માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં : મહારાષ્ટ્રના આ બે લોકોનો પ્રકાશ સાથે કોઈ સંબંધ નથી. પ્રજ્વલ અને પ્રાજ એકબીજાને ઓળખે છે. આ બંને 12 પાસ છે અને લાતુરમાં NEETની તૈયારી કરી રહ્યા હતા. આ ત્રણેય આરોપીઓને 1લી માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.