સુધરે એ બીજા : ફાયર ઓફિસર 65 હજારની લાંચ લેતા ઝડપાયા

એસીબી દ્વારા લાંચિયા લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના ફાયર ઓફિસર ઇનાયત શેખ રૂ.65 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. ફાયર સેફટીની એનઓસીને લઈ તેમણે લાંચ માંગી હતી પરંતુ તેઓ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ છટકાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિગત મુજબ, ફરિયાદી ખાનગી એજન્સી ચલાવી સરકારી તથા ખાનગી બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવાની તથા ફાયર એન.ઓ.સી.ને લગતા કન્સલ્ટીંગનુ કામ કરે છે. ફરિયાદીએ એક બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવી આપવાનું કન્સલ્ટીંગનુ કામ રાખ્યું હતું. જે બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ફાઇલ બનાવી આક્ષેપિતની કચેરી ખાતે મોકલી આપી હતી. ફાયર એન.ઓ.સી. આશરે ત્રણ મહિના સુધી ના મળતા આ કામના ફરિયાદી આક્ષેપિતને તેઓની કચેરી ખાતે રૂબરૂમાં મળતા આક્ષેપિતે ફાયર એન.ઓ.સી. આપવાના અવેજ પેટે રૂ.૮૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદીએ લાંચના નાણા આપ્યા નહોતા. જે બાદ ફરિયાદીને ફાયર એનઓસી મળી ગઈ હતી.

આ પછી કામના આક્ષેપિતે ફરિયાદીને રૂબરૂમાં મળી તેમને આપવામાં આવેલી ફાયર એન.ઓ.સી. ના વ્યવહારના રૂ.૮૦,૦૦૦ નહીં આપે તો ભવિષ્યમાં ફરિયાદીની ફાયર એન.ઓ.સી.ને લગતી ફાઇલો એપ્રુવ થશે નહી તેવી ગર્ભિત ધમકી આપીને ફરિયાદી પાસેથી જે તે દિવસે રૂ. ૧૫,૦૦૦ લઇ લીધી હતી. તેમજ બાકીના રૂ.૬૫,૦૦૦ ની અવાર નવાર માંગણી કરતા હતા. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે બે રાજય સેવક પંચોને સાથે રાખી સરકારી ઓડીયો રેકોર્ડરનો ઉપયોગ કરી આજે તા.૨૨/૦૨/૨૦૨૫ ના રોજ ગઠવેલા લાંચના છટકામાં આક્ષેપિત ફરિયાદી પાસેથી લાંચના નાણા રૂ.૬૫,૦૦૦ સ્વીકારતા રંગે હાથ પકડાયા છે.

error: Content is protected !!