Fraud : ફોનમાંથી સિમકાર્ડ કાઢી લીધા બાદ ૧.૪૮ લાખનું ટ્રાન્જેક્શન

સરીગામમાં રહેતા અખિલેશ કુમારના મોબાઈલ ફોનમાંથી સિમ કાર્ડ કાઢી લઈ રૂ. ૧,૪૮,૨૫૪નું ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી છેતરપિંડી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ઉમરગામ તાલુકાના સરીગામમાં રહેતા અખિલેશકુમાર સોકીલ ઠાકુર ભીલાડ ખાતે આવેલી હેર કટીંગની દુકાનમાં નોકરી કરે છે. તેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સલેમપુર બ્રાન્ચમાં બચત ખાતું ચાલે છે. તા.૯/૫/૨૫નાં રોજ બપોરે મોબાઈલમાં નેટવર્ક ન બતાવતા તેઓએ સીમકાર્ડ ચેક કર્યો હતો. પરંતુ ફોનમાં સીમ કાર્ડ જ ન હતો. તેથી તેમણે આસપાસ શોધખોળ કરી હતી. પરંતુ તે મળ્યું ન હતુ. જો કે, સીમકાર્ડ મળી જશે તેવી આશાથી તેમણે સીમકાર્ડ બંધ કરાવ્યું ન હતું. જે બાદ ૧૪ મેના રોજ સીમકાર્ડ બંધ કરાવી તેમણે તે જ નંબરનું નવું સીમકાર્ડ લીધું હતું. જેમાં paytm એપ્લિકેશન ચાલુ કરતા તેમના બેંક એકાઉન્ટમાં ફક્ત રૂ.૩૧ બતાવ્યા હતા.

બેંક એકાઉન્ટમાંથી મોટી રકમ કપાઈ ગઈ હોવાની જાણ થતા તેમણે બેંકમાંથી સ્ટેટમેન્ટ કાઢી તપાસ કરી તો ૧૦ મેથી ૧૨ મે દરમિયાન અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂ.૧,૪૮,૨૫૪ ઉપડી ગયાનું જણાયું હતુ. આથી અખિલેશ કુમારે સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સીમકાર્ડ બાબતે તપાસ કરાતા જણાયું કે,અખિલેશ કુમારના મિત્ર અમિત (રહે.ભીલાડ રેલવે ફાટક પાસે નાસ્તાની દુકાન માં) સાથે તેનો મિત્ર ક્રિષ્ના એકાદ અઠવાડિયાથી બપોરે દુકાનમાં બેસવા આવતો હતો. પરંતુ સીમકાર્ડ ખોવાયો તે દિવસથી ક્રિષ્નાએ દુકાન ઉપર આવવાનું બંધ કર્યું હતું અને ટ્રાન્ઝેક્શનમાં ક્રિષ્ના નામના એકાઉન્ટમાં રૂપિયા ૧,૪૮,૨૫૪ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયા હતા. આથી તેના ઉપર શંકા સેવી અખિલેશ કુમારે ભીલાડ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

error: Content is protected !!