સિંહની પજવણીથી ગેરકાયદે લાકડાની હેરફેર સુધી ‘લાલ આંખ’: ગીર પૂર્વમાં ૪ માસમાં ૭૫ ગુના

ગીર પૂર્વ વન વિભાગે વન્યજીવ સંરક્ષણ અને વન સંપત્તિના રક્ષણ માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ચાર મહિનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બદલ કુલ ૭૫ ગુના નોંધી રૂ.૧૩.૩૦ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

અભયારણ્ય વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ બદલ ૩૮ ગુના નોંધાઈ રૂ.૭.૭૬ લાખથી વધુનો દંડ ફટકારાયો છે. વન્યપ્રાણીઓના શિકાર સંબંધિત ૮ કેસ પૈકી ૪માં અદાલતી કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે અન્ય ૪ કેસમાં રૂ.૨.૨૦ લાખનો દંડ વસૂલાયો છે.

પરવાનગી કે ટ્રાન્ઝિટ પાસ વિના લાકડાની હેરફેર બદલ ૧૬ કેસમાં રૂ.૩.૦૩ લાખ, જ્યારે પ્લાસ્ટિક કચરો ફેંકવા અને અનામત વિસ્તારમાં ગેરકાયદે પશુચરાવવા બદલ ૧૭ કેસમાં રૂ.૩૨,૫૦૦નો દંડ વસૂલાયો છે.

વન વિભાગે ચેતવણી આપી છે કે સિંહ કે અન્ય વન્યપ્રાણીઓની પજવણી, ગેરકાયદે શિકાર, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને વનસંપત્તિની ગેરકાયદે હેરફેર કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પર આવી ગેરકાયદે પ્રવૃત્તિના ફોટો, વીડિયો કે રીલ જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!