ગુજરાતમાં નકલી સરકારી ઓફીસ, નકલી ટોલ બૂથ, નકલી કોર્ટ જેવા એક પછી એક ‘નકલી કૌભાંડ’નો પર્દાફાશ થઇ રહ્યો છે. એવામાં સુરતમાં નકલી ‘બેચલર ઓફ ઈલેક્ટ્રો-હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરી’ (BEMS) ડિગ્રી બનાવતી ટોળકીનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં 10 નકલી ડોક્ટરો સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સુરત પોલીસે જણાવ્યું કે આરોપીઓના ક્લિનિક્સમાંથી એલોપેથિક અને હોમિયોપેથિક દવાઓ, ઈન્જેક્શન, સિરપની બોટલો અને પ્રમાણપત્રો મળી આવ્યા છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણ આરોપીઓ 70,000 રૂપિયામાં નકલી BEMS ડિગ્રી વેચતા હતા. મુખ્ય આરોપીઓની ઓળખ સુરતના રહેવાસી રસેશ ગુજરાતી, અમદાવાદના રહેવાસી બીકે રાવત અને તેમના સહયોગી ઈરફાન સૈયદ તરીકે થઈ છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ‘બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિન, અમદાવાદ’ની આડમાં કૌભાંડ ચલાવવામાં આવતું હતું.પોલીસે જણાવ્યું કે તેમને માહિતી મળી હતી કે નકલી ડોક્ટરની ડિગ્રી ધરાવતા ત્રણ લોકો એલોપેથીની પ્રેક્ટિસ ચલાવી રહ્યા છે. મહેસૂલ વિભાગે પોલીસ સાથે મળીને તેમના ક્લિનિક્સ પર દરોડા પાડ્યા હતા. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે, આરોપીએ BEHMની ડિગ્રી બતાવી, જે નકલી હોવાનું પોલીસને જાણવા મળ્યું કારણ કે ગુજરાત સરકાર આવી કોઈ ડિગ્રી નથી આપતી.
આ રીતે ચલાવ્યું કૌભાંડ: આરોપીઓ ‘ડિગ્રી’ માટે રજીસ્ટ્રેશન કરવા એક નકલી વેબસાઈટ બનાવી હતી. પોલીસે જણાવ્યું કે જ્યારે મુખ્ય આરોપીને ખબર પડી કે ભારતમાં ઈલેક્ટ્રો-હોમિયોપેથી સંબંધિત કોઈ નિયમો નથી, ત્યારે તેણે આ કોર્સ માટે ડિગ્રી આપવા માટે એક નકલી બોર્ડ બનાવવાની યોજના બનાવી હતી.
પોલીસે જણાવ્યું કે તેણે પાંચ લોકોને નોકરી પર રાખ્યા અને તેમને ઈલેક્ટ્રો-હોમિયોપેથીની તાલીમ આપી અને ઈલેક્ટ્રો-હોમિયોપેથીની દવાઓ લખતા શીખવાડ્યું.જ્યારે આરોપીઓને ખબર પડી કે લોકોમાં ઈલેક્ટ્રો હોમિયોપેથી વિશે શંકા છે, ત્યારે તેઓએ તેમની યોજના બદલી અને આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ડિગ્રીઓ ઓફર કરવાનું શરૂ કર્યું, અને દાવો કર્યો કે BEHM રાજ્ય સરકાર સાથે જોડાણ ધરાવે છે. પોલીસે કહ્યું કે આરોપીઓ ડિગ્રી માટે 70,000 રૂપિયા ચાર્જ કર્યા અને તાલીમની ઓફર કરી અને તેમને કહ્યું કે આ પ્રમાણપત્ર સાથે, તેઓ કોઈપણ સમસ્યા વિના એલોપેથી, હોમિયોપેથી અને આરોગ્યની પ્રેક્ટિસ કરી શકે છે.