નોરતાની મોડી રાતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ

સમગ્ર રાજ્યમાં નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે, શક્તિની આરાધનાના પર્વ દરમિયાન જ વડોદરામાં મોડી રાત્રે સગીરા પર ગેંગ રેપ થયાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. વડોદરાના ભાયલીમાં સગીરા સાથે ગેંગ રેપ કરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસને ઘટનાસ્થળ પરથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે.

આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, ‘ગઇકાલ મોડી રાતના આ દુષ્કર્મની ઘટના બની હતી અને પીડીતાના પિતાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ગઇકાલે મોડી રાતના પીડિતા તેના બાળપણના મિત્રને મળી હતી અને ત્યાંથી ભેગા થઈને બન્ને ભાયલી વિસ્તારમાં વાત કરવા માટે ગયા હતા. તે સમયે બે બાઈક પર સવાર થઈને આવેલા પાંચ લોકોએ બંને સાથે અભદ્ર રીતે વાત કરી હતી અને બાદમાં એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખીને બે લોકોએ પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું.

બાદમાં પીડિતા અને તેના મિત્રએ સાથે રહીને પોલીસને આ અંગે જાણ કરી હતી, ત્યારબાદ પોલીસે પણ આ વિસ્તારને કોર્ડન કરીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને પુરાવા મળી આવ્યા હતા. જો કે ખૂબ જ અવાવરુ વિસ્તાર હોય આરોપીઓન ચહેરાઓની ઓળખ થઈ શકી નથી. પરંતુ પીડિતા અને તેના મિત્રએ આરોપીઓના શારીરિક બાંધા, ભાષા, બોલી વગેરેની માહિતી પોલીસને આપી છે.પીડિતાના પિતા દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પીડિતાનો મિત્ર ધોરણ 11માં અભ્યાસ કરે છે. આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસતંત્રની એલસીબી, એસઓજી તેમજ શહેર પોલીસતંત્રની ટીમ મળી 5 ટીમ કામે લગાડી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઇ જશે, એમ જિલ્લા પોલીસવડા રોહન આનંદે ઉમેર્યું હતું.

error: Content is protected !!