સુરતની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાને ત્રણ મહિનામાં જ પ્રેમિકા પાછી જતી રહેતાં યુવકે તેના પરિવારના સભ્યોને ધમકી આપતી પોસ્ટ ફેસબુક ઉપર મૂકી બદનામી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે વેડ રોડ પર રહેતા પ્રકાશભાઈની ૨૧ વર્ષીય પુત્રીએ વેડ રોડ પર મંગલમૂર્તિ એપા. માં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતાં નિલેશ મફતલાલ બારૈયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
જોકે ત્રણ મહિનામાં જ યુવતીનો મોહભંગ થતાં તે પિતા પાસે પરત ફરી હતી.પત્ની જતી રહેતા રઘવાયો બનેલો નિલેશ આ પરિવારને ફેસબુક પર ધમકી આપતી પોસ્ટ સતત મૂકતો હતો. ભાઈ નું ઉપરાણું લઇ આણંદ રહેતી નિલેશની બહેન રક્ષીબેન બારૈયાએ પણ ફોન કર્યો હતો અને પોતાનો ભાઈ ઝેરી દવા પી જાય છે. પોતાના ભાઈને કશું થશે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવતી હતી. આ મામલો તૂલ પકડે અને તેઓ ફસાઈ જાય તેવું લાગતા છેવટે ચોકબજાર પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે બંને ભાઈ-બહેન વિરુદ્ધ ગુનો નોંધી સબ ઇન્સ્પેક્ટર આર. બી. રાજપૂતે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ આ પ્રકરણમાં આરોપીઓની પૂછપરછ કરી તેના અન્ય પાસાઓ ચકાસી રહી છે.