મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલના હસ્તે કપરાડાના વરવઠ ખાતે રૂ. ૪૦ લાખના ખર્ચે બનેલા બે સભાખંડનું લોકાર્પણ

મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલના વરદ હસ્તે કપરાડા તાલુકાના વરવઠ ખાતે શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ સંચાલિત શ્રી નવસર્જન સાર્વજનિક હાઈસ્કુલ, વરવઠ ખાતે રૂ. ૪૦ લાખના ખર્ચે બનેલા બે બહુપયોગી સભાખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલે શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળના પ્રમુખશ્રી માધુભાઈ રાઉતના શિક્ષણ પ્રત્યેના કાર્યોને બિરદાવતા કહ્યું હતું કે, આદિવાસી બાળકોના શિક્ષણની ચિંતા કરવી એ ખૂબ જ મોટી વાત છે. આ વિસ્તારના બાળકોને જ્યારે ભણતાં જોઉં છું ત્યારે ખુશી અનુભવાય છે. શિક્ષણ કાર્યો બદલ માધુભાઈને અભિનંદન પાઠવું છું. આ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ ધોરણ ૧૨ ના ૧૦૦% પરિણામ બદલ અભિનંદન છે. શિક્ષણ આજે બહુ જ મહત્વનું બની ગયું છે. કહેવાય છે કે પ્રગતિની પારાશીશી એ શિક્ષણ છે. શિક્ષણ વિનાનો માણસ અંધ બરાબર છે. આજે શિક્ષણનું સ્તર ઉંચું જઈ રહ્યું છે. તેથી હોંશિયાર અને સક્ષમ બની અભ્યાસ કરવાની ખુબ જરૂર છે.

શિક્ષણમાં વધુ ધ્યાન આપી સમયસર કાર્યક્રમ બનાવી અભ્યાસ કરવો. અનેક લોકો શિક્ષણ માટે આગવું કાર્ય કરી રહ્યા છે તેથી ભણવું ખુબ જ જરૂરી છે. બીજાના નહિં પણ આપણા પોતાના જીવનના વિકાસ માટે અભ્યાસ કરવો અનિવાર્ય છે. બુદ્ધિશક્તિનો જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો, જીવનમાં કેવી રીતે આગળ વધવું તેની સમજ ભણતરથી જ મળે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી યુવાનોને મિલેટ્સ એટલે કે જાડુ ધાન્ય ખાવા આગ્રહ કરે છે. જેથી વિદ્યાર્થીઓએ જાડુ ધાન્ય ખાવું જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે, પાણી બરાબર પીવું, પૂરતી ઉંઘ લેવી અને સમયસર ઉઠવું. જેથી જીવનનો ક્રમ બનાવવો પડશે તો જ ભવિષ્યમાં આગળ વધી શકાશે.

પહેલા કપરાડાના વિસ્તારોની જે પરિસ્થિતિ જોઈ હતી તે હવે નથી. ઘણો સારો વિકાસ થયો છે. બાળકોએ ધ્યાન રાખવું કે વર્ષોના અને અનેક લોકોના પ્રયાસ થકી આ પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે. આ વિકાસ જોઈને મનને સંતોષ થાય છે, પરિસ્થિતિ જોઈ સરકાર કામગીરી કરી રહી છે એ દેખીતું છે. વડાપ્રધાનશ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી હતી.

આદિવાસીઓના વિકાસ થાય અને આદિવાસી વિસ્તારનો સર્વાંગી વિકાસની યોજના એટલે વનબંધુ કલ્યાણ યોજના. તે સમયે બજેટમાં રૂ.૧૫૦૦૦/- કરોડની વ્યવસ્થા કરી હતી જે હવે વધીને રૂ.૧ લાખ કરોડ જેટલી થઈ છે. બજેટમાં આટલા વધારાને જોતા ખ્યાલ આવે છે કે સરકાર આદિવાસીઓનું કેટલું ધ્યાન રાખે છે. જ્યારે આદિજાતિ મંત્રી હતો ત્યારે આશ્રમશાળાઓમાં માત્ર રૂ.૩૦૦/- ફૂડ બિલ મળતું હતું જેને રજૂઆતો કરીને રૂ.૪૫૦/- કરાવ્યું હતું જે આજે રૂ.૨૧૦૦/- જેટલું છે. તે સમયે વધારા માટે ટ્રાઈબલ બજેટમાં રૂ.૧૦ કરોડનું પ્રાવધાન કરાવ્યું હતું.

વડાપ્રધાનશ્રીના આદિવાસી વિસ્તારોના વિકાસકાર્યોને બિરદાવતા રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે શું કરવું જોઈએ તેની આગવી સમજ છે. તેથી જ સિકલસેલ જેવી બીમારીને વર્ષ ૨૦૪૭ સુધી નાબુદ કરવા આગવું અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતમાં વર્ષો પહેલાથી સિકલસેલ સંશોધનોની શરૂઆત થઈ ગઈ હતી તેથી જ સિકલસેલ નિદાન કાર્યક્રમો બીજા રાજ્યો કરતા પહેલાથી ચાલે છે. ગુજરાતમાં સિકલસેલ અંગે લગભગ ૯૫% કાર્યો થયા છે. તેથી સમગ્ર દેશમાં આ અંગે કામો કરવા રૂ.૧૫ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

હવે બીજા રાજ્યોના આદિવાસી વિસ્તારોમાં પણ તપાસ અને નિદાનની કામગીરી શરૂ થઈ ગઈ છે. લોકોએ, શિક્ષકોએ અને વાલીઓએ આ બાબતે ધ્યાન રાખવું. બાળકોમાં થોડા પણ લક્ષણો જણાય તો તરત જ તપાસ કરવવી. દરેક તપાસ અને સારવાર પણ વિનામુલ્યે થાય છે. રોગ મટાડી નથી શકાતો પણ આગળ વધતો અને ફેલાતો અટકાવી શકાય છે. તે માટે જાગરૂકતા જરૂરી છે. સરકાર દ્વારા તપાસ કરી સિકલસેલ અંગેના કાર્ડ પણ બનાવવામાં આવે છે જેથી સમયસર નિદાન અને સારવાર જરૂરી છે. ભવિષ્યમાં લગ્ન સમયે જન્મપત્રી ન મેળવશો તો ચાલશે પણ સિકલસેલના કાર્ડ મેળવવા જરૂરી છે. મા-બાપ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આ બાબતે સજાગ રહેવું જેથી બાળકોની તપાસ થાય અને સારવાર સાથે બાળક સારી રીતે ભણી ભવિષ્ય બનાવી શકે. પાછળથી પસ્તાવો ન થાય કે નિદાન થયું હોત તો સારૂ થયું હોત. હું એવું માનું છું કે આ બાબતમાં મારા પ્રયત્નોથી ૫૦ બાળકો પણ જીવી જાશે તો મારૂ જીવન સફળ છે. દરેકની ચિંતા કરવી જરૂરી છે, ભણવાની સાથે સ્વાસ્થ્યની પણ. સિકલસેલ અંગેની માહિતી અંગે લોકોને જાગૃત કરવા, સરકાર દ્વારા થતી તપાસ અને નિદાન અંગે જણાવવું પણ આદિવાસીઓની સેવા છે.

સરકારની યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઘરના આંગણે જઈને મળે તે માટે સરકારે વિકસિત ભારતની શરૂઆત કરી છે જેથી અનેક લોકોને લાભો મળ્યા છે. દેશના ગરીબ માટે પ્રધાનમંત્રીશ્રી રોજના ૧૮ કલાક કામ કરે છે. ગરીબોની સેવાના કરવાથી ગરીબોની દુવાઓના કારણે તેમની દેશ – વિદેશમાં નામના, ખ્યાતિ અને ઘણો આદર મળે છે. તેમણે દેશની ગરીબો અને આદિવાસીઓની પરિસ્થિતિ પારખીને ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત, શૌચાલયોની વ્યવસ્થા કે ઘર ઘર જળ જેવી યોજનાઓ અમલમાં મુકી છે.

તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, આપણે પણ સમાજને ઉપયોગી થાય એવા કાર્યો કરવા જોઈએ. મારા માટે આ સુવર્ણ દિવસ છે કે આટલા બધા બાળકોને માટે સુવિધા આપવામાં સહભાગી થવાનો મોકો મળ્યો છે. આ બાળકોને જોઈને થયું કે આજનો દિવસ મારા માટે ખુબ સારો છે.કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલે શિક્ષણક્ષેત્રે ખુબ સારા કાર્યો કરવા બદલ શ્રી માધુભાઈ રાઉતનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. વરવઠ ગામના લોકોએ આદિવાસી પરંપરાગત વાજિંદ્ર આપી રાજ્યપાલશ્રીને વધાવ્યા હતા.

error: Content is protected !!