સુરતમાં વધુ એક લાંચિયો તલાટી ઝડપાયો છે. મહુવા તાલુકાના ગોપલા ગ્રામ પંચાયતના તલાટી કેયુરભાઇ રમેશભાઇ ગરાસીયા એસીબીના છટકામાં ઝડપાયો છે. તલાટીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીનાં નાણાંબિલમાં સહી કરવા માટે લાંચની માંગ કરી હતી. તેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેનું છટકું ગોઠવતા તલાટી 8 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર મંગળવાર નારોજ સુરત જિલ્લાનાં મહુવા તાલુકાની ગોપલા ગ્રામ પંચાયતનાં તલાટીને એસીબીએ લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો છે. ફરિયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજુર થયેલ મકાનોનું બાંધકામ કરીને તે કામનાં નાણાં મેળવવા નિયમોનુસાર જરૂરી દસ્તાવેજો સાથે લાભાર્થીએ ફોર્મ ભરી નાણાં મંજુર કરવા બીલ મુકવામાં આવ્યું હતું. તલાટીએ આ ફોર્મમાં સહી કરવાનાં અવેજ પેટે રૂ.10 હજારની લાંચની માંગી હતી.જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે લાંચના છટકાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે 8 હજાર રૂપિયાની માંગણી કરી લાંચની રકમ લેતા એ.સી.બી.એ રંગે હાથે ઝડપી લીધો હતો.