ગુજરાત ATSએ દિલ્હીથી ડ્રગ્સ માફિયા અફઘાની નાગરિકની ધરપકડ કરી

નવીદિલ્હી : એટીએસ દ્વારા વધુ એક ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે. એટીએસ દ્વારા દિલ્હી થી અફઘાની નાગરિક મહંમદ યાસીનની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચનાં સંયુક્ત ટીમ દ્વારા દિલ્હીથી આરોપી મોહમ્મદ યાસીનની ધરપકડ કરી છે. મોહંમદ યાસીન પાસેથી 460 ગ્રામ હેરોઇનનો જથ્થો પણ મળી આવ્યો છે. મોહંમદ યાસીનનું અગાઉના ડ્રગ્સ કેસમાં કનેક્શન સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર કેસ વિષે જણાવીએ, માર્ચ 2024 માં પાકિસ્તાન થી દરિયાઈ માર્ગથી ડ્રગ્સ વેરાવળ બંદર પર આવ્યું હતું જેને એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું. જેની ફરિયાદ અને તપાસ એટીએસ કરી રહી હતી. સમગ્ર કેસમાં આરોપી ઈશા હુસૈન રાવ અને પાકિસ્તાની મુર્તુઝા તેમજ ઈશા રાવની પત્ની તાહિરા, દીકરો અરબાઝ, દીકરી માસુમા, જમાઈ રિઝવાન દ્વારા હેરોઇનનો જથ્થો ઓમાન થી બોટ દ્વારા ગુજરાતના વેરાવળ બંદરે મંગાવ્યો હતો. આ હેરોઇનનાં જથ્થાની ડિલિવરી દિલ્હીમાં તિલકનગર વિસ્તારમાં એક નાઇજિરિયન અથવા સાઉથ આફ્રિકન નાગરિકને આપવામાં આવ્યો હતો. જેમાં નવ જેટલા આરોપીઓ વિરુદ્ધ એટીએસ માં ફરિયાદ નોંધાઈ હતી જેમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા એટીએસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર મામલે એટીએસ દ્વારા મની ટ્રેલર અને ટેકનિકલ એનલીસિસને આધારે આ કેસના સંડોવાયેલા વધુ એક વ્યક્તિની ઓળખ સામે આવી હતી. જેમાં આ ડ્રગ્સ કાર્ટેલમાં એક અફઘાની નાગરિક સામે હોવાની માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને માહિતીનાં આધારે દિલ્હી થી મોહંમદ યાસિનની ધરપકડ કરી છે.

અફઘાની નાગરિક ભારત પહોંચ્યો કેવી રીતે જે વિષે જણાવીએ, એટીએસ દ્વારા મહોમદ યાસીનની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે મોહમ્મદ યાસીન અફઘાનિસ્તાનના કાબુલના જલાલાબાદનો રહેવાસી છે. આરોપી મોહમ્મદ યાસીન વર્ષ 2017 માં મેડિકલ વિઝા આધારે ભારતમાં આવ્યો હતો અને દિલ્હીમાં તે મેડિકલ વિઝાના આધારે આવેલા આવતા નાગરિકો માટે ટ્રાન્સલેટરનું કામ કરતો હતો. મોહમ્મદ યાસીનના વિઝા બે વર્ષ અગાઉ એક્સપાયર થઈ ચૂક્યા છે. જેથી તેણે યુ.એન.એચ.સી.આર ના રેફ્યુજી કાર્ડ માટે પણ એપ્લાય કરેલું છે. મોહમ્મદ યાસીને તિલકનગર દિલ્હી ખાતેથી આઠ નવ મહિના પહેલા એક નાઈજીરીયન નાગરિક પાસેથી ચાર કિલો હેરોઇન ખરીદ્યું હતું અને તેમાંથી તે છૂટક વેચાણ કરતો હતો અને બાકીનું 460 ગ્રામ હેરોઈન તેની પાસે હતું તે નાઇજીરિયન આરોપીના કહેવાથી કોઈને ડિલિવરી કરવા દિલ્હીના ભોગલ વિસ્તારમાં જતો હતો પરંતુ તે પહેલા જ એટીએસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં મોહંમદ યાસીનની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર પાકિસ્તાનથી આવેલા ડ્રગ્સમાં મોહમ્મદ યાસીનની કઈ પ્રમાણેની ભૂમિકા હતી. આ ઉપરાંત તે મેડિકલ વિઝા ઉપર ભારત આવ્યો હતો તો તે અન્ય કઇ કઈ જગ્યાઓ પર રોકાયો હતો અને તેણે કઈ હોસ્પિટલમાં સારવાર કરાવેલી હતી. આ તમામ મુદ્દાઓ પર એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!