રાજ્યમાં ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના નાગરિકોને શોધી તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન મિલાપ’ને નોંધપાત્ર સફળતા મળી છે. એક મહિનાની ઝુંબેશ બાદ તેને વધુ 10 દિવસ માટે લંબાવવામાં આવી હતી, જેમાં રાજ્યભરમાંથી કુલ 500 ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢવામાં આવ્યા છે.
આ અભિયાનની સફળતાનું એક નોંધપાત્ર ઉદાહરણ વડોદરાનો કેસ છે. છાણી વિસ્તારમાંથી 18 ડિસેમ્બર, 2025ના રોજ ગુમ થયેલી 14 વર્ષની સગીર બાળકીનું પાંચ મહિનાના પ્રયાસો બાદ કર્ણાટકના શિવમોગાથી સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં સફળતા ન મળતાં કેસ વડોદરા એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ને સોંપવામાં આવ્યો હતો. ટેક્નિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે પોલીસ આરોપી સુનિલકુમાર કેસરીસિંહ બારીયા સુધી પહોંચી હતી. આરોપીએ બાળકીને ફોસલાવી કર્ણાટક લઈ જઈ પોતાની પત્ની તરીકે ખોટી ઓળખ આપી જૈન મંદિરમાં પૂજારી તરીકે રહેતો હતો.
વડોદરા AHTUની મહિલા અધિકારી સહિત પાંચ સભ્યોની ટીમ કર્ણાટક પહોંચી હતી. સ્થાનિક પોલીસના સહયોગથી ભારે વરસાદ વચ્ચે બે દિવસ સુધી મંદિર પર નજર રાખ્યા બાદ ત્રીજા દિવસે વહેલી સવારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછના આધારે બાળકીને સુરક્ષિત રીતે શોધી પરિવારને સોંપવામાં આવી હતી.
ગુજરાત પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (વુમન સેલ, સીઆઈડી ક્રાઈમ) શ્રી અજય ચૌધરીએ જણાવ્યું કે, એક મહિનાના સફળ અભિયાન બાદ ઓપરેશન મિલાપને 12 જૂનથી 21 જૂન સુધી વધુ 10 દિવસ માટે લંબાવવામાં આવ્યું હતું. આ દરમિયાન 500 ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના લોકોને શોધીને તેમના પરિવારો સાથે મિલન કરાવવામાં સફળતા મળી છે.
આ લંબાવેલી ઝુંબેશ દરમિયાન શોધી કાઢાયેલા 500 નાગરિકોમાં 288 મહિલાઓ, 88 બાળકીઓ, 21 છોકરાઓ અને 103 પુરુષોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 7 મેથી 5 જૂન દરમિયાન ચાલેલા રાજ્યવ્યાપી ઓપરેશન મિલાપમાં ગુજરાત પોલીસે 857 મહિલાઓ અને 234 સગીર બાળકીઓ સહિત કુલ 1,478 ગુમ થયેલા નાગરિકોને શોધી તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવ્યું હતું.
ગુજરાત પોલીસનું આ અભિયાન ગુમ થયેલા નાગરિકોને શોધી તેમના પરિવારોને ફરી એક કરવા માટે અસરકારક સાબિત થઈ રહ્યું છે અને અનેક પરિવારોના જીવનમાં ફરી ખુશીઓ પરત લાવવામાં સફળ રહ્યું છે.





