ડોલવણમાં ઘરકંકાસનો સુખદ અંત: 181 અભયમ ટીમે જેઠાણી-દેરાણી વચ્ચે સમાધાન કરાવ્યું

ડોલવણ તાલુકાના અંતરિયાળ ગામમાં સામાન્ય બાબતે થતા ઘરકંકાસમાં ‘૧૮૧ અભયમ’ ટીમે સમયસર મધ્યસ્થી કરી ભંગાતા પરિવારને બચાવી લીધો છે. જેઠાણી દ્વારા થતી વારંવારની હેરાનગતિથી કંટાળીને એક પરણિતાએ મદદ માંગતા ટીમે સ્થળ પર જઈ બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.

‘૧૮૧ અભયમ’ ટીમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડોલવણમાં રહેતી પરણિતા અને તેના જેઠ-જેઠાણી એક જ મકાનમાં અલગ રહે છે. બનાવના દિવસે પરણિતાએ ઘરની પાછળ કચરો સળગાવતા, ‘ઝાડ બળી જશે’ તેમ કહી જેઠાણીએ ગાળાગાળી કરી હતી. નાની એવી વાતમાંથી વિવાદ ઉગ્ર બન્યો હતો. લાંબા સમયથી ચાલી આવતા આ મનદુઃખના નિવારણ માટે પરણિતાએ ૧૮૧ અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી.

તાપી અભયમ ટીમે ઘટનાસ્થળે પહોંચી બંને પક્ષો સાથે વાતચીત કરી હતી. જેઠાણીએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં ઝઘડો ન કરવાની લેખિત બાંહેધરી આપી હતી. પરણિતાએ પણ પરિવારની શાંતિ માટે સામા પક્ષને માફી આપતા મામલો થાળે પડ્યો હતો. સમયસરની મદદ બદલ પીડિતાએ ૧૮૧ ટીમનો આભાર માન્યો હતો.

error: Content is protected !!