પતિના મોત બાદ પણ પજવણી ન અટકી: પત્રકારોએ મહિલાને ધમકાવી દાગીના વેચવા મજબૂર કરી, લાખો રૂપિયા પડાવ્યા

ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન હેઠળના રકનપુર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પત્રકાર હોવાની ઓળખ આપી ત્રણ શખ્સોએ એક મહિલાને ડરાવી-ધમકાવીને કુલ રૂ.1,05,000 ની રકમની બળજબરીપૂર્વક ઉઘરાણી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર રકનપુર ગામના ઓરાઈ તળાવ કિનારે રહેતી લક્ષ્મીબેન રવિભાઈ ચુનારા નામની મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે અગાઉ આર્થિક સંકડામણને કારણે છૂપી રીતે દેશી દારૂ વેચવાનો ગેરકાયદે ધંધો કરતી હતી. ગત ૧૦/૧૨/૨૦૨૫ ના રોજ સંજય પાંડે, મિતાંશુ દરજી અને અંકિત વ્યાસ નામના ત્રણ પત્રકારો તેના ઘરે આવ્યા હતા અને મહિલાનો દારૂની કોથળીઓ સાથેનો વિડીયો ઉતારી લીધો હતો.

આ શખ્સોએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને મહિલા પાસેથી પ્રથમ વખતે રૂ.40,000 પડાવ્યા હતા. ત્યારબાદ મિતાંશુ દરજીએ તેના અન્ય સ્ટાફના પત્રકારો સાથે મળીને અલગ-અલગ સમયે વધુ રકમની માંગણી કરી હતી. ફરિયાદ મુજબ, મહિલાએ પોતાના દાગીના વેચીને પણ આ શખ્સોને પૈસા આપ્યા હતા.મહિલાએ દારૂ વેચવાની પ્રવૃત્તિ બંધ કરી દીધા બાદ અને તેના પતિના અવસાન પછી તે અમદાવાદ રહેવા ગઈ હતી, તેમ છતાં આ શખ્સોએ ફોન કરીને અને રૂબરૂ આવીને વિડીયો વાયરલ કરવાનો ભય બતાવી ઉઘરાણી ચાલુ રાખી હતી. તાજેતરમાં પાંચ દિવસ પહેલા પણ એક શખ્સે વિડીયો વાયરલ કરવાનો પ્રયાસ કરતા મહિલાએ આખરે હિંમત દાખવી પોલીસના દ્વાર ખખડાવ્યા છે.પોલીસે આ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!