રાજકોટ : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. સીલબંધ કવરમાં અગ્નિકાડંનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જો કે, સરકારનાં રિપોર્ટ સામે હાઈકોર્ટે અનેક સવાલ ઉઠાવ્યા છે. એડવોકેટ જનરલએ કોર્ટમાં સ્વીકાર્ય કર્યો કે એડમિનિસ્ટ્રેશનમાં ખામીઓ હતી. હાઈકોર્ટે કહ્યું કે, કેટલાક અધિકારીઓને કારણે આખે આખું રાજ્ય બદનામ થઈ રહ્યું છે.
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં બાળકો સહિત કુલ 27 લોકોના મોત નીપજ્યાં હતાં. રાજકોટ અગ્નિકાંડને લઈ આજે હાઈકોર્ટમાં SIT દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરાયો હતો. જો કે, આ રિપોર્ટ સામે હાઈકોર્ટે કેટલાક સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે સવાલ કર્યો કે, અગાઉ પણ આગનો બનાવ બન્યો અને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ આપવામાં આવી એનો મતલબ છે કે તમને ખ્યાલ હતો જ કે આ ગેરકાયદે છે. GPMC એક્ટ હેઠળ નોટિસ અપાઈ હતી. કોર્ટે નોંધ્યું હતું કે ગેમઝોન ગેરકાયદેસર હતો.
બીજી તરફ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, એડવોકેટ જનરલે પણ સ્વીકાર્યું હતું કે એડમિનિસ્ટ્રેશનમાં ખામીઓ હતી. તેમણે કોર્ટમાં કહ્યું કે, ગેમિંગની એક્ટિવિટી રાજ્યભરમાં હજુ નવી નવી જ હતી. અમે કઈક સમજી એ તે પહેલાં આ ઘટના બની હતી. આ અંગે કોર્ટે કહ્યું કે, ઉત્તરાખંડ રાજ્યને જુઓ… એ લોકો જેટલી પણ એક્ટિવિટી કરાવે છે તે તમામનાં ચોક્કસ નિયમો છે. જ્યારે, આપણે એ રાજ્યમાં રહીએ છીએ જ્યાં બધી બાબતે ખૂબ જ પોટેંશિયલ છીએ. પરંતુ, તેમ છતાં કેટલાક અધિકારીઓનાં કારણે આખું રાજ્ય બદનામ થાય છે. કોર્ટે કહ્યું કે, જરૂરી કાર્યવાહી અને આગની ઘટનાઓમાં જાગરૂકતાની જરૂર છે. આ સાથે હાઇકોર્ટે SIT રિપોર્ટ, સત્ય શોધક કમિટી રિપોર્ટ અને એક્શન ટેકન અહેવાલ માંગ્યો હતો. જો કે, એડવોકેટ જનરલ દ્વારા સમયની માંગ કરાતા અહેવાલ આગામી સમયમાં રજૂ કરાશે.
ઉપરાંત, શાળાઓમાં કરવામાં આવેલી તપાસ મામલે પણ આગામી સમયમાં અહેવાલ રજૂ કરાશે. આ સિવાય, બંધ થયેલા ઝોન અંગે વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી. એડવોકેટે કહ્યું કે, અમારી પાસે તમામ મંજૂરી હોવા છતાં ગેમઝોન સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે કોર્ટે આદેશ કરતા કહ્યું કે, જે ગેમિંગ ઝોન પાસે તમામ મંજૂરીઓ છે અને શહેરના મ્યુ. કમિશનર પણ સોગંદનામુ કરે છે તો અમે ખોલવાની મંજૂરી આપીશું.