ડોલવણ તાલુકામાં જાહેરનામાના ભંગ બદલ એક મકાન માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બેડચીત ગામમાં આવેલી પોતાની દુકાન ભાડે આપ્યા બાદ તેની જાણ પોલીસ સ્ટેશનમાં ન કરવા બદલ એસ.ઓ.જી. (SOG) શાખાએ આ કાર્યવાહી કરી છે.
મળતી વિગતો પ્રમાણે તાપી એસ.ઓ.જી. શાખાની ટીમ રવિવારે ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બેડચીત પેટ્રોલ પંપની સામે આવેલ શોપિંગ સેન્ટરમાં તપાસ કરતા ‘જય અંબે ગેરેજ’ નામની દુકાનમાં શૈલેષભાઈ રાજુભાઈ ગામીત હાજર મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણ માસથી આ દુકાન ભાડે રાખીને વ્યવસાય કરે છે. દુકાન માલિક ભરતભાઈ નાગરભાઇ પટેલ (રહે.બેડચીત, કોળીવાડ ફળિયું) એ આ દુકાન ભાડે આપતી વખતે ભાડુઆત પાસેથી કોઈ ઓળખપત્ર કે ફોટા લીધા ન હતા. આ ઉપરાંત, ભાડુઆત રાખવા અંગેની કોઈ પણ જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી ન હતી.તાપી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, કોઈપણ મિલકત ભાડે આપતી વખતે ભાડુઆતની વિગતો પોલીસમાં જમા કરાવવી ફરજિયાત છે. આ નિયમનો ભંગ કરવા બદલ મકાન માલિક ભરતભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





