આજથી છ વર્ષ પહેલાં પત્નીએ કરેલી ઓલપાડ પોલીસમાં ફરિયાદના મુદ્દે પોતાની પત્ની તથા તેને મદદ કરનાર પત્નીના મિત્ર પર જીવલેણ હુમલો કરી પત્નીના મિત્રની હત્યા કરનાર આરોપી પતિ તથા દિયરને એડીશ્નલ સેશન્સ જજ હિતેશ કુમાર એમ.વ્યાસે હત્યા તથા હત્યાના પ્રયાસના ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદની સખ્તસજા દરેક આરોપીને રૂ.10 હજારનો દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.
મૂળ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના વતની ફરિયાદી રીયાબેને (રે.કુબેરનગર,કતારગામ)એ ગઈ તા.13-3-2019ના રોજ મૂળ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર તાલુકાના ઘુસીયાગીરના વતની તથા રત્નકલાકાર પતિ પ્રીતેશ દેવજીભાઈ ડાભી તથા દિયર અનિલભાઈ (રે.શિવપાર્ક રેસીડેન્સી,ઉમરાગામ તા.ઓલપાડ) વિરુધ્ધ ઓલપાડ પોલીસમાં ઈપીકો-302,307,201 તથા 114 ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ ફરિયાદી રીયાબેન તથા આરોપી પ્રીતેશ ડાભીએ પ્રેમલગ્ન કર્યા હોઈ બંનેના ઘરવાળાએ સ્વીકાર ન કર્યો હોઈ ભાડેથી અલગ રહેતા હતા.પરંતુ પતિની કામધંધો છુટી જતાં દંપતિ વચ્ચે તકરાર થતાં રીયાબેન પોતાના પિયરમાં માતા સાથે રહેવા ચાલ્યા ગયા હતા.જે અંગે ફરિયાદીએ આરોપી પતિ વિરુધ્ધ ઓલપાડ પોલીસમાં ફરિયાદ કરી હતી.જેની અદાવત રાખીને ગઈ તા.13-3-2019ના રોજ આરોપી પ્રીતેશ તથા તેના નાના ભાઈ અનિલ ડાભીએ ફરિયાદી રીયાબેન પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો.જેથી ફરિયાદીના ઘરનો સામાન ખાલી કરાવવા આવેલા તેના મિત્ર ગોરધનભાઈ વેલજી ભુવા વચ્ચે પડતાં આરોપીઓએ તેના પર 28 જેટલા જીવલેણ ઘા મારી હત્યા કરી હતી.
આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી ડાભી બંધુઓ વિરુધ્ધના કેસની ન્યાયિક કાર્યવાહી દરમિયાન આરોપીઓના બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદી રીયાબેન મરણ જનાર ગોરધનભાઈ ભુવા તથા સાક્ષી નરેશ અગ્રાવત સહિત અન્ય ત્રણથી ચાર ઈસમો આરોપીઓ પર હુમલો કરવા તેમના ઘરે આવ્યા હતા.જે અંગે પોલીસને જાણ કરવા દરમિયાન સ્વબચાવ અને પ્રતિકાર કરતા સમગ્ર બનાવ બન્યો હોવાનો બચાવ લીધો હતો.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી વિશાલ ફળદુએ કુલ 26 સાક્ષી તથા 38 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપી પ્રીતેશ તથા અનિલ ડાભીને ઈપીકો-302 સાથે વાંચતા-114 તથા 307ના ગુનામાં દોષી ઠેરવી હત્યાના ગુનામાં ઉપરોક્ત આજીવન કેદ તથા દંડની સજા ફટકારી હતી.જેથી આરોપીઓના બચાવપક્ષે સજામાં રહેમ કરવા કરેલી માંગને કોર્ટે નકારી કાઢી જણાવ્યું હતું કે આરોપીઓ વિરુધ્ધ હત્યા તથા હત્યાના પ્રયાસનો ગુનો નિઃશકપણે સાબિત થયો હોઈ આવા ગુના બનતા અટકે અને સમાજમાં દાખલો બેસે તે માટે મહત્તમ સજા દંડ કરવો ન્યાયના હિતમાં છે.
કોર્ટે આરોપીઓએ તરફે સ્વબચાવમાં કરેલા હુમલાના બચાવને નકારતા જણાવ્યું હતું કે બચાવપક્ષે બંને આરોપીઓને શરીરે કોઈપણ ઈજા થઈ હોવાનું પુરાવો રજુ કર્યો નથી.જ્યારે ફરિયાદીને ચારથી પાંચ ઈજા તથા મરણજનારને 28 ઈજા નિપજાવવામા આવી છે.જો ફરિયાદી તથા મરણ જનાર સહિત અન્ય લોકો આરોપીઓ પર હુમલો કરવા ગયા હોય તો આરોપીઓને ઈજા થવી સ્વાભાવિક છે.જ્યારે આરોપીઓ હુમલો કરનાર હોય ત્યારે ફરિયાદી તથા મરણજનારને ઈજા સ્વબચાવમાં કરી હોવાનું માની શકાય નહીં.