સુરત શહેરના શાહપોરની પરિણીતાને ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. પર અલગ અલગ મેસેજ તથા કોલ કરી લગ્નનો પ્રસ્તાવ મોકલવાના પ્રકરણમાં પતિ જ કલાકાર નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રેમિકાને પામવા પત્નીથી છુટકારો મેળવવા પતિએ આ કારસ્તાન કર્યું હોવાનો ખુલાસો થતા પોલીસે પતિ-પ્રેમિકાની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે શહેરના બેગમપુરાની ૨૨ વર્ષીય યુવતીના નવેમ્બર-૨૪માં શાહપોરમાં રહેતા ફૈઝાન સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેને પતિ અને સાસુ, નણંદ તરફથી હેરાનગતિ કરવામાં આવતી હતી. દરમિયાન ગત ચોથી મેની રાત્રે તેને સાહન્ઝેય નામની ઈન્સ્ટા. આઈ.ડી. પરથી મેસેજ આવવા શરૂ થયા હતા. ” તુમ્હારે બારે મેં સબ જાનતા હૂં, સબ જાનતે હૈ તુમ્હારા પતિ કૈસા હૈ, તુમ્હારે સાથે કૈસા રહેતા હૈ તથા આઈ વોન્ટ મેરી યૂ” જેવી વાતો લખી મોકલતો હતો. રોજ આ રીતે સતત મેસેજ કરી અજાણ્યા નંબરથી કોલ પણ કર્યો હતો. પરિણીતાએ પતિને સમગ્ર વાતની જાણ કરી કોલ કરનાર વ્યક્તિ સાથે પતિની વાત કરાવવાની કોશિશ કરી હતી, પરંતુ પતિએ આ શખ્સ સાથે તેને સંબંધ હોવાનો આક્ષેપ કરી કાઢી મૂકતાં આખરે પરિણીતાએ અજાણ્યા ઇન્સ્ટા. આઈ.ડી. ધારક વિરુદ્ધ લગ્નજીવન તોડાવી નાંખવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે બે દિવસ પહેલાં તેણે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. લગ્નજીવન તોડાવી નાંખવા માટે જ સાસરિયાઓમાંથી કોઈએ આ પ્રકારે મેસેજ કરાવ્યો હોવાની પણ શંકા પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં પરિણીતાએ વ્યક્ત કરી હતી.દરમિયાન સાઇબર સેલની તપાસમાં પરિણીતાની શંકા સાચી ઠરી હતી. આ સમગ્ર કારનામામાં પતિ જ પડદા પાછળનો ખેલાડી નીકળ્યો હતો. પ્રેમિકાને પામવા આ પરાક્રમ કર્યુ હતું. પત્નીને યેનકેન પ્રકારે બદનામ કરવા પ્રેમિકાનો સહારો લઈ ફેક આઈડી બનાવ્યું હતું. સાઇબર સેલે પતિ ફૈઝાન અને તેની પ્રેમિકાની ધરપકડ કરી હતી.