ગુજરાત સરકાર દ્વારા સરકારી નોકરી કરતા લોકોને મોટી ભેટ આપવામાં આવી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સરકારી કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યના સરકારી કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયના કારણે સરકારી કર્મચારીઓમાં આનંદ છવાયો છે. છેલ્લા ઘણાં સમયથી સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારે થયા તેની રાહ જોઈ રહ્યાં હતાં.
નોંધનીય છે કે, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારા સરકારી કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2025થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મામલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો, છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે,મહત્વની વાત એ છે કે, 1લી જાન્યુઆરી, 2025 એટલે છેલ્લા ત્રણ મહિનાનું પણ મોંઘવારી ભથ્થુ આપવામાં આવશે. આ ત્રણ માસની મોંઘવારી ભથ્થાની રકમ એક જ હપ્તામાં એપ્રિલના પગાર સાથે આપી દેવામાં આવશે. નોંધનીય છે કે, આ નિર્ણયના કારણે રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ મળીને 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને આ લાભ મળવા પાત્ર છે.
સરકારી આંકડાની વાત કરવામાં આવે તો, મોંઘવારી ભથ્થામાં સરકારને કુલ 235 કરોડની રકમ સરકારી કર્મચારીઓને ચુકવવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પગારભથ્થા અને પેન્શન પેટે રાજ્ય સરકારને વાર્ષિક 946 કરોડની રૂપિયાની ચુકવણી કરવાની રહેશે.આ પહેલાં ગુજરાત સરકારે ડિસેમ્બર, 2024માં 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું હતું. છઠ્ઠા તેમજ સાતમા પગારપંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારી અને 4.81 લાખ પેન્શનર્સને લાભ મળશે.એટલે કુલ મળીને 9.59 લાખ સરકારી કર્મચારીને મોંઘવારી ભથ્થાનો લાભ મળવાનો છે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપતામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવાશે.