ગુજરાત મેડીકલ કાઉન્સિલે એક મહત્વની નોટિસ જાહેર કરી છે, નોટિસમાં કહેવામાં આવ્યું છે કે હવેથી વિદેશમાં MBBSનો અભ્યાસ કરીને આવેલા ડોક્ટરોએ M.D. “PHYSICIAN” કે ડોક્ટર ઓફ મેડિસિન નહીં પણ ફરજિયાત MBBS જ લખવું પડશે. જો નિયમનું પાલન નહીં થાય તો તેની સામે લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત મેડીકલ કાઉન્સિલે જાહેર કરેલી નોટિસમાં ભારત બહાર MBBSનો અભ્યાસ કરીને આવતા કેટલાક ડોકટર્સ પાસે (ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટસ-FMGS) કે જે દેશની એમબીબીએસ લાયકાતને સમકક્ષ ડીગ્રી ધરાવે છે, તેમ છતાં તેઓ એમડી ફિઝિશિયન અથવા ડૉક્ટર ઓફ મેડિસીનની લાયકાત ધરાવે છે તેવું લખીને લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે.
આથી મેડીકલ કાઉન્સિલે નોટિસ જારી કરીને તમામ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સને માત્ર MBBS જ લખવા આદેશ કર્યો છે. અન્યથા નેશનલ મેડિકલ કમિશન મુજબ તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે તેમજ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિનિયમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત મેડીકલ કાઉન્સિલના લાયસન્સ ફરજિયાત: આ ઉપરાંત તમામ એલોપેથિક ડોકટરો માટે ગુજરાતમાં પ્રેકટીસ કરવા ગુજરાત મેડીકલ કાઉન્સિલના લાયસન્સને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. અન્ય રાજ્યનું કે MCI/NMCનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ હશે તો પણ ગુજરાત મેડિકલ કાઉન્સિલનું લાયસન્સ લેવું પડશે. ગુજરાતમાં પ્રેકટીસ કરતા તમામ એલોપેથિક ડોકટરોએ તેઓના પ્રિસ્ક્રીપ્શન, લેટર પેડ/ રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડીકલ સર્ટીફીકેટ વગેરે પર તેઓને ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા લાયસન્સ નંબર ફરજિયાત દર્શાવવાનો રહેશે.