ગ્રીલિંગ કામના બદલામાં બિલ્ડરે બે ફ્લેટ આપ્યા હોવાનું અને તે પૈકી એક ફ્લેટ વેચવાનો કહી ઠગે ખોટો સાટાખત ઊભો કરી લેસપટ્ટીના વેપારી પાસેથી ૮.૧૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા.
પોલીસ સૂત્રોએ આપેલી પ્રમાણે સુરત શહેરના નાના વરાછા સરિતા દર્શન સોસાયટીમાં રહેતા અક્ષય જયેશ ધામેલિયા સીતાનગર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં લક્ષ્મીનારાયણ ફેશનના નામે લેસપટ્ટીનો વ્યવસાય કરે છે. નવેમ્બર-૨૩માં તેઓ મકાન શોધી રહ્યા હતા ત્યારે કાકા મારફત લસકાણા સાવલિયા સર્કલ પાસે સિલિકોન કોમ્પ્લેક્સમાં સિલિકોન પાન સેન્ટર ચલાવતા વિશાલ ગોટીને મળ્યા હતા. વિશાલે તેના મિત્ર આશિષ ઘનશ્યામ લીંબાસિયા (રહે.વિક્ટોરિયા ટાઉનશિપ, પાસોદરા) સાથે મુલાકાત કરાવી હતી. આશિષ પોતે ગ્રિલ ફિટિંગનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.અતુલ્ય રેસિડેન્સીના ફ્લેટ્સમાં પોતે જ ગ્રીલિંગનું કામ કર્યું હોઈ બિલ્ડરે તેને નાણાંને બદલે બે ફ્લેટ આપ્યા હોવાનું જણાવ્યું ફ્લેટ નંબર E/૬૦૩ પોતે ૧૭લાખમાં વેચવા માંગતો હોવાનું જણાવી ટુકડે ટુકડે ૮.૧૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. બહુમાળી બોલાવી તેણે આ વેપારીની માતાના નામે સાટાખત પણ કરી આપ્યું હતું. જેમાં સોસાયટી પ્રમુખ હિતેશ બાબુ દેસાઈ અને મંત્રી હરેશ સેંજલિયાના ફોટો સાથે તેમની સહી પણ કરી હતી. તપાસ કરતાં આ સાટાખત ખોટા દસ્તાવેજોને આધારે બનાવવામાં આવ્યું હતું. પ્રમુખ અને મંત્રીને બદલે ખોટી વ્યક્તિઓના ફોટો ચોંટાડવામાં આવ્યા હોવાનું બહાર આવતાં મામલો લસકાણા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આશિષ લીંબાસિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.