ભાજપમાં અંદરખાને ચાલતી હુંસાતુંસી વધુ એક વખત સપાટી પર આવવા પામી, સંકલનનો અભાવ

વડોદરા : વડોદરા ભાજપમાં અંદરખાને ચાલતી હુંસાતુંસી વધુ એક વખત સપાટી પર આવવા પામી છે. તાજેતરમાં શહેર ભાજપ સંકલનની બેઠક મળી હતી. જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કામો રોકવામાં આવતા હોવાના આરોપ કોર્પોરેટરોએ ભાજપ શહેર પ્રમુખ સમક્ષ વર્ણવ્યા છે. તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનું માનવું છે કે, એક વોર્ડમાં ચાર કોર્પોરેટરો પણ સાથે રહી શકતા નથી. આમ, શાસકપક્ષના હોદ્દેદારો અને કોર્પોરેટરો વચ્ચેની ખેંચતાણ ખુલીને સામે આવી છે. સંભવત: આ બધી વાતોના કારણે જ વડોદરા અન્ય શહેરોની સરખામણીએ પાછળ રહી ગયું હોય તેવો લોકમત છે.

વડોદરામાં લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદથી ભાજપની ભાંડજડ સમયાંતરે સામે આવતી રહી છે. ક્યારેક સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામસામે આવતા હતા. તો ક્યારેક કોર્પોરેટર અને અન્ય હોદ્દેદારો સામસામે આવ્યા હતા. આ સિલસિલો અટકાવવામાં શહેર ભાજપ પ્રમુખને નિષ્ફળતા મળી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં શહેર ભાજપ સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શહેરના અલગ અલગ વિસ્તારના કોર્પોરેટરો દ્વારા પાલિકાના મેયર પિન્કીબેન સોની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીની ઓફિસમાંથી વિસ્તારના વિકાસના કાર્યો અટકાવવામાં આવતા હોવાનો સનસનીખેજ આરોપ મુક્યો હતો. સાથે જ જણાવ્યું કે, અમારા કામો થતાં નથી, અધિકારીઓ સાંભળતા નથી. જો કે. અધિકારીઓ નહી સાંભળતા હોવાનુો કોર્પોરેટરો અગાઉ પણ મીડિયા સમક્ષ કહી ચુક્યા છે.

દુખી કોર્પોરેટરોને સાંભળીને શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે બેઠકમાં જણાવ્યું કે, બધામાં સંકલનનો અભાવ છે, એક વોર્ડમાં 4 કોર્પોરેટર પણ સાથે રહી શકતા નથી. અહીં બેઠેલા કોઇ કાયમી નથી, તમને અઢી કે પાંચ વર્ષ માટે જવાબદારી મળે છે. જો કે, આ બેઠકમાં કોર્પોરેટરોની સમસ્યા કોઇ નક્કર હલ સુધી પહોંચી નથી. હવે આવનાર સમયમાં શુું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

error: Content is protected !!