નવીદિલ્હી : નવી દિલ્હીઃ 7 રાજ્યોની 13 સીટો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. તેમાંથી 2 રાજ્યોની 5માંથી 4 સીટો પર કોંગ્રેસ, બંગાળની ચાર સીટો પર ટીએમસી અને પંજાબની એક સીટ પર આમ આદમી પાર્ટીએ જીત હાસિલ કરી છે. તો ભારતીય જનતા પાર્ટીને પેટાચૂંટણીમાં ઝટકો લાગ્યો છે. પાર્ટી માત્ર હિમાચલની હમીરપુર સહિત 2 સીટો પર જીત હાસિલ કરી ચૂકી છે. તો બિહારના રૂપૌલીમાં અપક્ષ ઉમેદવાર શંકર સિંહે બાજી મારી છે. તમિલનાડુની વિક્રવંડી સીટ પર ડીએમકેએ જીત મેળવી છે.
7 રાજ્યોની 13 સીટોમાંથી ભાજપના ખાતામાં માત્ર 2 સીટ આવી છે. તો વિપક્ષી દળોને 10 સીટો પર જીત મળી છે. જ્યારે બિહારની રૂપૌલી સીટ પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે. કુલ મળી માની શકાય કે આ પેટાચૂંટણીમાં એનડીએનો પરાજય થયો છે. તો INDIA ગઠબંધનના દળો ભલે કેટલીક સીટો પર એકબીજા વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા પરંતુ તેનો ફાયદો ભાજપને મળ્યો નહીં. 7 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણીના પરિણામે ભાજપની ચિંતા વધારી છે. જ્યાં એક તરફ ભાજપ લોકસભામાં પોતાના દમ પર બહુમત મેળવી શક્યું નહીં તો હવે પેટાચૂંટણીમાં હાર બાદ પાર્ટીને ધક્કો લાગ્યો છે. પેટાચૂંટણીમાં ભાજપના ખાતામાં માત્ર 2 સીટ આવી છે. તો બંગાળમાં જે 3 સીટ પર ભાજપે 2021ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી, તેને પણ ગુમાવી દીધી છે. જો બિહારની વાત કરીએ તો અહીં NDA અને INDIA ગઠબંધન બંનેએ હારનો સામનો કરવો પડ્યો છે. બિહારની રૂપૌલી સીટ પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે.
રાજ્યોની આ 13 સીટમાંથી બંગાળની 3 સીટ ભાજપની પાસે હતી. તો 2 સીટ પર કોંગ્રેસ અને 8 પર અન્યનો કબજો હતો. આ સીટો પર પેટાચૂંટણીથી સૌથી વધુ ફાયદો કોંગ્રેસ અને ટીએમસીને થયો છે. કોંગ્રેસે 13માંથી 8 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા અને પાંચ પર જીત મેળવી છે. તો બંગાળમાં મમતા બેનર્જીનો દબદબો યથાવત છે. ત્યાં તેમની પાર્ટીએ પેટાચૂંટણીમાં ચારેય સીટ જીતી છે. આ સિવાય પંજાબમાં આમ આદમી પાર્ટી પોતાની સીટ બચાવવામાં સફળ રહી છે. બંગાળની રાણાઘાટ દક્ષિણ, બગદા અને રાયગંજ સીટ પર ભાજપે 2021ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. પરંતુ પાર્ટીએ હવે આ ત્રણેય સીટ ગુમાવવાનો વારો આવ્યો છે. બંગાળની આ સીટ પર ભાજપના ધારાસભ્યોના રાજીનામાને કારણે પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપના ધારાસભ્યો રાજીનામા આપી ટીએમસીમાં સામેલ થયા હતા. ટીએમસીએ તેમાંથી 2 ઉમેદવારને પેટાચૂંટણીમાં તક આપી જેણે જીત મેળવી છે.