ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં માનવભક્ષી વરુઓના ત્રાસથી લોકો ભયભીત છે. આ માનવભક્ષી વરુઓએ અત્યાર સુધીમાં એક મહિલા સહિત 9 લોકોનો શિકાર કરી ચૂક્યા છે. જેમાં ભારે જહેમત બાદ વનવિભાગને ચાર વરુઓને પકડવામાં સફળતા મળી છે. જ્યારે બાકીના બે વરુની શોધખોળ કરવામાં આવી રહી છે. આ અંગે વહીવટીતંત્રનું કહેવું છે છ વરૂઓનું ટોળું સતત શિકાર કરી રહ્યા છે. જો કે ગ્રામજનોનું માનવું છે કે માનવભક્ષી વરુઓની સંખ્યા વધારે છે.
અત્યાર સુધીમાં 4 વરુ પકડાયા : મીડિયા અહેવાલ અનુસાર બહરાઈચના મહસી તહસીલના ઘણા ગ્રામજનોના મતે આ વિસ્તારમાં વરુઓની સંખ્યા 9 થી 10 હોઈ શકે છે. જો આ બધા નહીં પકડાય તો ગમે ત્યારે હુમલો કરી શકે છે. તેનાથી લોકોમાં ભય ફેલાશે. જ્યારે આ અંગે મુખ્ય વન સંરક્ષક મધ્ય ક્ષેત્ર રેણુ સિંહે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 4 વરુ પકડાયા છે. 2 વરુ પકડવાના બાકી છે. તેમને પકડવાના પ્રયાસો ચાલુ છે. ટૂંક સમયમાં જ તેમને પકડવાથી વિસ્તારમાં ભયના માહોલનો અંત આવશે.
વરુઓની હિલચાલ પર નજર રાખવા માટે ટીમો : આ બધાની વચ્ચે ભાજપના ધારાસભ્ય સુરેશ્વર સિંહે કહ્યું છે કે, વરુના હુમલાની ઘટનાઓ 17 જુલાઈથી શરૂ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં છથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. સીએમ યોગીની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે અસરગ્રસ્ત ગ્રામજનોની સુરક્ષા માટે અધિકારીઓને કડક સૂચના આપી હતી. લોકોમાં જાગૃતિ ફેલાવવા અને વરુઓની હિલચાલ પર નજર રાખવા માટે ટીમો બનાવવામાં આવી છે. હાલમાં પોલીસ, વહીવટીતંત્ર અને વન વિભાગ તમામ તૈયાર છે.
આજે પણ સર્ચ ઓપરેશન ચાલુ : બહરાઈચના કછાર વિસ્તારમાં હજુ પણ વરુની શોધખોળ ચાલુ છે. હરીબકસ પુરવા ગામના વિસ્તારમાં ચાર પાંજરા અને આઠ થર્મોસેન્સર કેમેરા લગાવવામાં આવ્યા છે. થર્મલ ડ્રોન વડે સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. 18 ટીમો દિવસ-રાત પેટ્રોલિંગ કરી રહી છે. 50 થી વધુ લોકો પાંજરા અને નેટ લગાવવાનું કામ કરી રહ્યા છે.