ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા વધારાનો લાભ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૪થી આપવાની જાહેરાત કરી છે.
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૧ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૭૩ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.મોંઘવારી ભથ્થાની ૬ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૦ જૂન ૨૦૨૪ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.તદઅનુસાર, જાન્યુઆરી-૨૦૨૪ તથા ફેબ્રુઆરી-૨૦૨૪ મહિનાની તફાવતની રકમ જુલાઈ-૨૦૨૪ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-૨૦૨૪ની તફાવતની રકમ ઓગષ્ટ-૨૦૨૪ના પગાર સાથે તેમજ મે અને જૂન-૨૦૨૪ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-૨૦૨૪ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને ૧૧૨૯.૫૧ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.