સુરત શહેરના સીમાડા ચાર રસ્તા પાસે હેલ્મેટ વિના બાઈક ચલાવવા બદલ અટકાવવામાં આવેલા યુવકે દંડ ભરવાને બદલે જીભાજોડી કરી હતી. તેના ખિસ્સા ચેક કરતા ચપ્પુ મળી આવતાં યુવક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.
સુરત શહેરમાં હેલ્મેટને લઈ પોલીસે કરેલા જાગૃતિના પ્રયાસો બાદ હવે દંડવાની શરૂઆત કરવામાં આવી છે.૧૫મી ફેબ્રુઆરીથી સખત રીતે શરૂ કરાયેલી આ ઝુંબેશ વચ્ચે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ.ધોકડિયા ટીમ સાથે રવિવારે સવારે સીમાડા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં એક બાઈકસવારને હેલ્મેટ વિના અટકાવ્યો હતો.પોલીસે તેને અટકાવી હેલ્મેટ નહિ પહેર્યું હોઈ દંડ ભરવાનું કહ્યું હતું. દંડ ભરવાને બદલે પોલીસ સાથે જીભાજોડી પર ઉતરી પડેલાં યુવકને ડિટેઈન કરી ચેક કરવામાં આવતાં તેના ખિસ્સામાંથી ચપ્પુ મળી આવ્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા ચપ્પુ સાથે પકડાયેલા યાજ્ઞિક મુકુન્દ જોષી (રહે.રચના ચેમ્બર્સ, વરાછા રોડ) વિરુદ્ધ ચપ્પુ રાખવા બદલ સરથાણા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. સરથાણા પોલીસે આ મામલે ગુનો નોંધી યુવકની અટકાયત કરી હતી.