શહેરના ડિંડોલીમાં ફ્લોરિંગ વર્ક્સ સાથે સંકળાયેલા વેપારીએ સાળાના મિત્રને પોતાની ઓફિસમાં બેસવા દેવાનું ભારે પડયું હતું. આ વેપારીને બેંક સીઝ્ડ મકાન અપાવવાનું કહી પહેલાં ૯.૯૫ લાખ રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહિ આ વેપારીના નામે બારોબાર ૧૦ લાખની લોન પણ લીધી હતી અને અન્ય એક મહિલાના નામે લીધેલી લોનની રકમ પણ વેપારીના બેંક એકાઉન્ટમાં જમા લેવાનું બહાર આવતાં વેપારી બહાવરો બની ગયો હતો.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે સુરત શહેરના ડિંડોલી મહાદેવનગરમાં રહેતા રોશનભાઈ પ્રકાશભાઈ માતુરકર, ડિંડોલી સાંઈ એવન્યુમાં સાંઈ એન્ટરપ્રાઈઝના નામે ઈવોક્ષી ફ્લોરિંગ વર્ક્સના નામે વ્યવસાય કરે છે.૨૦૨૩માં તેના સાળાએ યજ્ઞેશ સંજય બોમ્બાળેની ઓળખ કરાવી હતી.સાળા ભૂપેને આ વ્યક્તિ પોતાનો મિત્ર હોવાની સાથે લોન કન્સલ્ટન્ટ હોવાનું જણાવતાં રોશને તેને પોતાની ઓફિસમાં જ બેસવાની સગવડ કરી આપી હતી. ડિંડોલી સ્વસ્તિક લેક રેસિડેન્સીમાં બેંકે સીઝ્ડ કરેલું મકાન સસ્તામાં અપાવવાનું કહી ૯.૯૫ લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં આ મકાન નહિ મળ્યાનું જણાવી નાણાં આપવામાં અખાડા શરૂ કર્યા હતા. એક પાર્ટીએ આપેલો ચેક બેંકમાં નાંખવા જતાં પોતાનું બેંક એકાઉન્ટ હોલ્ડિંગ થયાનું જાણ્યા બાદ વેપારીએ તપાસ કરતાં તેમાં IIFL બેંકમાં પાંચ-પાંચ લાખની લોન ચાલતી હોવાનું અને તેના ઈ.એમ.આઈ. બાઉન્સ થયાનું બહાર આવ્યું હતું. આ ગઠિયાએ પોતાના નામે બારોબાર લોન લીધી હતી. એટલું જ નહિ એક મહિલાના નામે પણ બે લોન મેળવી આ વેપારીના એકાઉન્ટમાં નાણાં જમા લઈ વેપારી માટે મુશ્કેલી ઊભી કરી હોઈ મામલો ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. સબ ઇન્સ્પેક્ટર આર.કે. માલીવાડે વધુ તપાસ હાથ ધરી છે.