જમીન બિનખેતી (N.A.) કરવાની પ્રક્રિયામાં સાનુકૂળ અભિપ્રાય આપવા માટે રૂ.૧,૦૦૦ની લાંચ માંગનાર જેટકો (GETCO) ના તત્કાલીન જુનિયર એન્જિનિયર વિરુદ્ધ ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની વિગત મુજબ, ફરિયાદીએ પોતાની માલિકીની જમીન બિનખેતી કરવા માટે કલેક્ટર કચેરી, ભરૂચ ખાતે અરજી કરી હતી. આ અરજીના ટેકનિકલ અભિપ્રાય માટે ફાઈલ કાર્યપાલક ઇજનેર, DGVCL મકતમપુર ખાતે મોકલવામાં આવી હતી. ત્યાંથી ફરિયાદીને જંબુસર જેટકો સબ સ્ટેશનમાં ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર વ્રજેશભાઈ બલદેવભાઈ ગડરીયાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. ફરિયાદીએ જ્યારે વ્રજેશભાઈનો સંપર્ક કર્યો, ત્યારે આરોપીએ જમીનનું નિરીક્ષણ કરી જરૂરી કાગળો પર તલાટીના સહી-સિક્કા કરાવી લાવવા જણાવ્યું હતું. ત્યારબાદ, આ કામ કરી આપવાના બદલામાં આરોપીએ રૂ.૧,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જ્યારે લાંચની માંગણી કરવામાં આવી, ત્યારે ફરિયાદીએ પોતાના મોબાઈલ ફોનમાં આ હેતુલક્ષી વાતચીતનું રેકોર્ડિંગ કરી લીધું હતું. આ પુરાવાના આધારે ફરિયાદીએ ACB ભરૂચનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે આરોપીએ ફરિયાદીને કાગળો ટેબલ પર મૂકી દેવાનું કહેતા પ્રત્યક્ષ લાંચ લેતા ઝડપી શકાયા નહોતા અને છટકું નિષ્ફળ રહ્યું હતું. જોકે, ભરૂચ ACB એ આ મામલે ખુલ્લી તપાસ હાથ ધરી હતી. વૈજ્ઞાનિક પુરાવા અને ટેલિફોનિક રેકોર્ડિંગના આધારે લાંચની માંગણી સાબિત થતા આરોપી વ્રજેશભાઈ બલદેવભાઈ ગડરીયા તત્કાલીન જુનિયર એન્જિનિયર, જેટકો જંબુસર સબ સ્ટેશન (વર્ગ-૨) હાલનો હોદ્દો ડેપ્યુટી એન્જિનિયર, જેટકો બોડેલી, જી.છોટાઉદેપુર (વર્ગ-૧) વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.





