નવીદિલ્હી : જૂન મહિનો પૂરો થવામાં હવે થોડા જ દિવસો બાકી છે, ત્યાર પછી જુલાઈ મહિનો શરૂ થશે. જુલાઈ મહિનો શરૂ થતાં જ ક્રેડિટ કાર્ડ દ્વારા બિલ પેમેન્ટ કરનારા લોકો માટે મોટા અપડેટ્સ આવી રહ્યા છે. ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટને લઈને RBIના કેટલાક નિયમો 1 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર ક્રેડિટ કાર્ડ દ્વારા બિલ પેમેન્ટનો ઉપયોગ કરનારાઓ પર પડશે. તેનો હેતુ ચુકવણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને તેની સુરક્ષા વધારવાનો છે. કેટલાક પ્લેટફોર્મ દ્વારા ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી મુશ્કેલ હોઈ શકે છે. આમાં ક્રેડ, ફોનપે, બિલડેસ્ક જેવી કેટલીક મોટી ફિનટેકનો સમાવેશ થાય છે.
વાસ્તવમાં, ભારતીય રિઝર્વ બેંકે નિર્દેશ આપ્યા છે કે 30 જૂન પછી, તમામ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે. રિપોર્ટ અનુસાર, HDFC બેન્ક, ICICI બેન્ક અને એક્સિસ બેન્કે હજુ સુધી BBPS એક્ટિવેટ કર્યું નથી. આ બેંકોએ હજુ સુધી સૂચનાઓનું પાલન કર્યું નથી. અત્યાર સુધી માત્ર 8 બેંકોએ BBPS પર બિલ પેમેન્ટ એક્ટિવેટ કર્યું છે.
BBPS શું છે? જે વિષે જણાવીએ, ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એ બિલ પેમેન્ટની એક સંકલિત સિસ્ટમ છે, જે ગ્રાહકોને ઓનલાઈન બિલ પેમેન્ટ સેવા પૂરી પાડે છે. તે બિલ પેમેન્ટ માટે ઇન્ટરઓપરેબલ પ્લેટફોર્મ છે. આ સિસ્ટમ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI હેઠળ કામ કરે છે. UPI અને RuPay ની જેમ, BBPS પણ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું છે. ભારત બિલ પે એ એક ઇન્ટરફેસ છે જે Cred, PhonePe, BillDesk, BHIM, Paytm, MobiKwik જેવી એપ્સ પર હાજર છે. તેના દ્વારા તમામ બિલ એક જ પ્લેટફોર્મ પર ચૂકવી શકાશે. અત્યાર સુધી 26 બેંકોએ તેને ઈનેબલ કર્યું નથી. પેમેન્ટ ઈન્ડસ્ટ્રીએ સમયમર્યાદા 90 દિવસ લંબાવવાની માંગ કરી છે. પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ મામલે આરબીઆઈને અરજી કરી છે. જો કે રેગ્યુલેટરે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.