નવીદિલ્હી : હિમાચલના મંડી લોકસભા મત વિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી જીતેલી ફિલ્મ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે કહ્યું છે કે જો કોઈ મને મળવું હોય તો તેમણે મંડી લોકસભા મતવિસ્તારનું આધાર કાર્ડ લાવવું પડશે. બીજેપી સાંસદે એમ પણ કહ્યું કે, બેઠક દરમિયાન જે કોઈ પણ વિષયે રજૂઆત કે ચર્ચા કરવાની હોય તેને લેખિતમાં લાવવામાં આવે. કંગના રનૌતના નિવેદન બાદ હિમાચલ પ્રદેશના રાજકારણ ખૂબ ગરમાયું છે.
કંગના રનૌતે કહ્યું, “મારી મંડી સદરમાં ઓફિસ છે. આ તેનું સરનામું છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, તેથી મુલાકાત લેનારા લોકોએ મંડી વિસ્તારનું આધાર કાર્ડ સાથે લાવવાનું રહેશે. ઉપરાંત, તમારા સંસદીય કાર્ય માટે તમને જે પણ સમસ્યા હશે, તમારે તેને લેખિતમાં લાવવાની રહેશે, જેથી લોકોને કોઈપણ પ્રકારની અગવડતાનો સામનો ના કરવો પડે. “આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.” તેમણે આગળ કહ્યું, “જો તમે મંડીના છો તો મંડી સદર સ્થિત મારી ઓફિસમાં આવો. જો તમે હિમાચલના છો તો આવો અને મને કુલ્લુ-મનાલી સ્થિત મારા ઘરે મળો. જો આપણે સાથે મળીને કોઈ સમસ્યાની ચર્ચા વિચારણા કરીએ તો તેને ઉકેલવું સરળ બની જાય છે.”
મંડી બેઠક પરથી જીતેલી કંગનાએ વધુમાં કહ્યું, “તમે સંસદીય મતવિસ્તારને લગતી કોઈપણ સમસ્યા માટે મારી ઓફિસનો સંપર્ક કરી શકો છો. જો તમને લાગતું હોય કે રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલી કોઈ બાબત છે તો અમને કહો, અમે તમારો અવાજ છીએ અને લોકસભામાં તેને ઉઠાવીશું. કંગનાના આ વિવાદાસ્પદ નિવેદન બાદ, કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહે કહ્યું હતું કે, મને મળવા માટે કોઈને પણ કોઈ કાર્ડની જરૂર નથી. તમારી સમસ્યાના ઉકેલ માટે મને ગમે ત્યારે મળી શકો છો. એ પણ કોઈ કાર્ડ વિના ભારતીય જનતા પાર્ટીએ, કંગના રનૌતને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવી હતી. અહીં કંગનાનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ સાથે હતો. ચૂંટણીમાં કંગનાને 5,37,022 વોટ મળ્યા જ્યારે વિક્રમાદિત્ય સિંહને 4,62,267 વોટ મળ્યા હતા. કંગનાએ પહેલીવાર ચૂંટણી લડી અને 72 હજારથી વધુ મતોના માર્જિનથી જંગી જીત મેળવી હતી.