Latest News : માતાની વાતનું માઠું લાગી આવતા એક 17 વર્ષીય કિશોરીએ આપઘાતનો પ્રયાસ કર્યો

સુરત શહેરમાંથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના અલથાણ વિસ્તારમાં માતાની વાતનું માઠું લાગી આવતા એક 17 વર્ષીય કિશોરીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ફાયર વિભાગના જવાનોએ સમયસૂચકતા વાપરીને તેનો જીવ બચાવી લીધો હતો. આ ઘટના સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ એક ‘સ્વિમ પ્લેસ’ નામના બિલ્ડિંગના 11મા માળના ટેરેસ પર બની હતી. 17 વર્ષની કિશોરી કોઈક પારિવારિક મામલે માતાની વાતનું માઠું લગાડીને સીધી આ ઊંચા ટેરેસ પર આપઘાત કરવા પહોંચી ગઈ હતી.

કિશોરીને ટેરેસની કિનારી પર ચઢેલી જોઈને પરિવારજનો અને આસપાસના લોકોમાં કુતૂહલ અને ચિંતા ફેલાઈ ગઈ હતી. લોકોએ તેને નીચે ઉતારવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ યુવતી નીચે ઉતરવા તૈયાર ન હતી. સમય બગાડ્યા વિના, સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. આપઘાત કરવા માટે યુવતી જે ઊંચાઈ પર હતી, ત્યાં પહોંચવા માટે ફાયર જવાનોએ ક્રેનનો ઉપયોગ કર્યો હતો. ફાયર વિભાગના જવાનોએ ક્રેન મારફતે 11મા માળે પહોંચીને કિશોરીને હેમખેમ બચાવી લીધી હતી. ફાયર વિભાગની આ સમયસર અને સફળ કામગીરીને કારણે એક યુવતીનો જીવ બચી ગયો હતો.

error: Content is protected !!