નવસારી શહેરના જમાલપોરની અનાવિલ સમાજની પરિણીતાના બે દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેવાના ચકચારી પ્રકરણમાં રૂરલ પોલીસે બુધવારની રાત્રીએ આરોપી પતિ હાર્દિક નાયકની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જમાલપોરના સિલ્વર સ્ટોન બંગ્લોઝમાં રહેતી પરિણીતા ખેવના ઉર્ફે ખુશબૂ નાયકે બે માસૂમ દીકરીઓ સાથે ૩૦મી ઓગસ્ટના રોજ સાંજે ઘરેથી નીકળ્યા બાદ વિરાવળ પહોંચી પૂર્ણા નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. શહેર અને અનાવિલ સમાજના આ ચકચારી આપઘાત કેસમાં મૃતક ખેવનાની માતાએ પતિ હાર્દિક અશોક નાયક સામે દહેજ અને પુત્ર પેદા કરવા માટે દારૂ પીને અત્યાચાર ગુજારતો હોવાની ફરિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં પોલીસે બુધવારની રાત્રીએ આરોપી હાર્દિક નાયકની ધરપકડ કરી ગુરુવારના રોજ તેને જેલમાં મોકલી આપ્યો હતો.





