સુરત શહેરમાં આવેલા લીંબાયત વિસ્તારમાં મહિલાની છેડતી અને ઘરમાં ઘૂસીને હેરાનગતિ કરનાર આરોપીને કોર્ટ દ્વારા ૩ વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારવામાં આવી છે.
આ કેસની વિગત એવી હતી કે લિંબાયત મીઠીખાડી પાસે રહેતા ૨૯ વર્ષીય આરોપી સમીર બસીર શેખ તા. ૦૨-૦૬-૨૦૧૫ના રોજ મહિલા ફરિયાદીને ઘરમાં એકલતાનો લાભ લઇ હાથ પકડીને બાથરૂમ પાસે ખેંચી જઇ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ત્યારબાદ પણ આરોપીએ ફરીયાદીને ખરાબ નજરે જોઇ ભયભીત કરી હતી અને પતિ સમજાવવા જતા જાનથી મારી નાંખવાની તથા ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો. તપાસ બાદ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરતા કેસ કોર્ટમાં ચાલ્યો હતો. કોર્ટે ચુકાદો આપતાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ અને રૂ.૨,૫૦૦નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભર્યે વધુ ત્રણ માસની કેદનો હુકમ કર્યો હતો. આ ચુકાદા સામે આરોપીએ અપીલ દાખલ કરી હતી. જોકે, ઉચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે, કાયદાની કોઇ ભૂલ પુરવાર થઈ નથી તેમજ આરોપીએ મહિલાની આબરૂ ઉપર હુમલો કર્યો છે. વધુમાં બંને પરીવારો વચ્ચે પહેલેથી જ વૈમન્સ્ય ચાલતું હોવાથી પ્રોબેશનનો લાભ આપવો યોગ્ય નથી. પરિણામે, અપીલ નામંજૂર કરી ટ્રાયલ કોર્ટ દ્વારા ફરમાવેલી સજા યથાવત્ રાખવામાં આવી હતી.





