ગાંધીનગરમાં ધાડ અને ચોરીના ગુનાઓથી લોકોમાં ભય ફેલાવનાર ચડ્ડી બનિયાન ગેંગના એક સાગરીતની ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ એટલે કે LCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીને ચિલોડા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ પોલીસે ગાંધીનગર અને કલોલ વિસ્તારમાં થયેલી ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલો આરોપી કુખ્યાત મોહનીયા ગેંગનો સભ્ય છે.
આ ગેંગના સભ્યો રાત્રિના સમયે ચડ્ડી અને બનીયાન પહેરીને બંધ બંગલાઓ અને સોસાયટીઓને નિશાન બનાવતા હતા. આ આરોપી સામે અગાઉ પણ દસ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ પાલોડીયામાં ધાડ અને ગાંધીનગર તથા કલોલમાં થયેલી ચોરીના ગુનાઓની કબૂલાત પણ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેની ગેંગના અન્ય સાત સભ્યો પણ આ ગુનાઓમાં સામેલ હતા.પોલીસને તેમના અન્ય સાત આરોપીઓના નામ પણ મળ્યા હતા. પોલીસે તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી હતી. આ ગેંગના સભ્યો દિવસ દરમિયાન કન્સ્ટ્રક્શનના કામની આડમાં બંગલાઓ અને રહેણાંક વિસ્તારોની રેકી કરતા હતા અને રાત્રે ચોરી તથા ધાડને અંજામ આપતા હતા. ગાંધીનગર LCBની આ સફળ કામગીરીથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે હવે ગેંગના અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.