નવસારી શહેરના છાપરા રોડ પર ગત શુક્રવારે એક માર્ગ અકસ્માત બાદ મોપેડ ચાલકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે નવસારી રૂરલ પોલીસ મથકે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, વિજલપોરમાં રહેતા અને કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રમાકાંત ગંગારામ સોનકર (ઉં.વ.૩૬) ગત તા. ૧૩/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૦૮:૪૫ વાગ્યે પોતાની મોપેડ લઈને છાપરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન જીવંતિકા માતાના મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ સામે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક વેગનઆર કાર ના ચાલકે મોપેડને ટક્કર મારી હતી.અકસ્માતને પગલે રમાકાંતભાઈ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને તેમને શરીરે ઈજાઓ પહોંચી હતી. કારમાંથી ઉતરેલા બે શખ્સોએ “તારી ભૂલના કારણે મારી કારને નુકસાન થયું છે” તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા શખ્સોએ ફરિયાદીને રોડની સાઈડમાં લઈ જઈ ગડદાપાટુનો માર માર્યો હતો અને કારના નુકસાનીના પૈસાની માંગણી કરી હતી.ઈજાગ્રસ્ત ફરિયાદીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રવિવારે નવસારી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અબ્રામા ગામના રહેવાસી અલ્પેશભાઈ રાજેશભાઈ પટેલ અને કાર ચાલક અંકુરભાઈ રાજેશભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





