Latest News : વાંસદાના ગંગપુર પાસે હાઈવાએ બાઈકને અડફેટમાં લેતા ચાલકનું ઘટનાસ્થળે મોત

વાંસદા-ધરમપુર રોડ પર આવેલ ગંગપુર ગામના પટેલ ફળીયા પાસે આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા એક ટાટા સિગ્ના હાઈવા ટ્રકે મોટરસાયકલને અડફેટમાં લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલ યુવાનને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, વઘઈ તાલુકાના કુડકસ ગામે રહેતા વિનોદભાઈ રંગુભાઈ ચોર્યા (ઉં.વ. ૫૦) અને તેમના મિત્ર કમલેશભાઈ ભીમાભાઈ ચૌધરી (ફરિયાદી) આજે સવારે આશરે ૯:૩૦ વાગ્યે મોટરસાયકલ નંબર જીજે/૧૫/ડબલ ક્યુ/૬૦૬૪ પર સવાર થઈ વાંસદાના પીપલખેડ ગામે કડિયાકામની મજૂરી માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ગંગપુર ગામ પાસે સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ટાટા સિગ્ના હાઈવા (નંબર દીદી/૦૧/યુ/૯૬૯૧ના ચાલકે બાઈકને ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક વિનોદભાઈ હાઈવાના ટાયર નીચે આવી જતાં તેમને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા કમલેશભાઈ રોડની બહાર ફેંકાઈ જતાં તેમને કપાળના ભાગે સામાન્ય ઈજાઓ થઈ હતી.ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તને વાંસદા કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વાંસદા પોલીસે હાઈવા ચાલક દામુભાઈ શંકરભાઈ જવળી (રહે. પાટી, તા. ખેરગામ) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!