થાણે જિલ્લામાં ડેવલપર પાસેથી 1.7 લાખ રૂપિયાની લાંચ માગવા અને સ્વીકારવા બદલ ગ્રામ પંચાયતના 35 વર્ષના સભ્યની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સ્વપ્નીલ સીતારામ પાટીલ ભિવંડી તાલુકાના અંબાડી ગ્રામ પંચાયતનો સભ્ય હતો, એમ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીએ જણાવ્યું હતું.
ફરિયાદીએ તમામ જરૂરી પરવાનગીઓ મેળવ્યા બાદ ત્રણ માળની બિલ્ડિંગ બાંધી હતી. ફરિયાદીએ ઑક્ટોબર, 2025માં ગ્રામ પંચાયતમાં બિલ્ડિંગ પરના પ્રોપર્ટી તથા પાણી વેરાની આકારણી માટે અરજી કરી હતી. જોકે મહિનાની મીટિંગ દરમિયાન પાટીલ તથા કેટલાક અન્ય સભ્યોએ વેરાની વસૂલાત સામે વાંધો ઉઠાવ્યો હતો. આરોપી તથા અન્ય સભ્યોએ સ્થાનિક તહેસીલદારને લેખિત ફરિયાદ કરી હતી, જેમાં દાવો કર્યો હતો કે ઉપરોક્ત બિલ્ડિંગ અનધિકૃત છે.ડિસેમ્બર, 2025માં પાટીલે ફરિયાદીને ગભરાવવા માટે ફરિયાદની નકલ ફરિયાદીને વ્હૉટ્સઍપ પર નોકલી હતી. બાદમાં પાટીલે વેરાની વસૂલાતને સરળ બનાવવા અને તહેસીલદાર સમક્ષ કરાયેલી ફરિયાદ પાછી ખેંચવા માટે ફરિયાદી પાસે 1.7 લાખ રૂપિયાની લાંચ માગી હતી, જેને પગલે તેણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો.આ અંગે તપાસ કર્યા બાદ એસીબીના અધિકારીઓએ બુધવારે છટકું ગોઠવ્યું હતું અને પાટીલને લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ પકડી પાડ્યો હતો.ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસીબી, થાણે) અનિલ જયકરે જણાવ્યું હતું કે પાટીલ વિરુદ્ધ ગણેશપુરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને લાંચના આ મામલામાં ગ્રામ પંચાયતના અન્ય સભ્યો સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)





