Latest News Gujarat: ગાંધીનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં ટાઈફોઈડના નવા 6 કેસ સામે આવ્યા

ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડના કેસ સામે આવ્યાં છે. શહેરમાં ટાઈફોઈડનો હાહાકાર મચી જવા પામ્યો છે. અનેક વિસ્તારોમાં બિમારીના ખાટલા જોવા મળ્યા છે. શહેરમાં ટાઈફોઈડના કુલ 218 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 6 કેસ સામે આવ્યા છે. સારવાર હેઠળ રહેલા 22 દર્દીઓ સાજા થયા છે જ્યારે 41 દર્દીઓ હજી સારવાર હેઠળ છે.

ગાંધીનગર મહાનગર પાલિકાને પાણીના 58 લિકેજ મળ્યા છે. મહાનગર પાલિકા દ્વારા લેવામાં આવેલા 6066 સેમ્પલ પૈકી 136 સેમ્પલ ફેઈલ નીકળ્યા છે. જ્યારે પાણીના 5930 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. શહેરમાં ટાઈફોઈડનો કહેર સામે આવતા જ 10થી વધુ ડોક્ટરો અને 100થી વધુ નર્સિંગ સ્ટાફ કામગીરીમાં લાગી ગયો છે. નવા કેસો સામે આવવાનું ચાલુ રહેતા હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા અને દવાનો જથ્થો પૂરતો રાખવા સૂચના આપવામાં આવી છે.

રોગચાળાને કાબૂમાં લેવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી યથાવત્ રાખવામાં આવી છે. આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને પાણીના સેમ્પલ લેવા, ક્લોરીનેશનની તપાસ કરવી અને બીમાર લોકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને દૂષિત પાણી અને ખોરાકને કારણે ટાઈફોઈડ ફેલાતો હોવાથી તંત્ર દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!