ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા સમગ્ર વિશ્વમાં જાણીતી છે. વિઝા ન મેળવી શકતા લોકો ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા હોય છે. ગાંધીનગરના એક ખેડૂતને કેનેડાના વિઝાના નામે ₹48 લાખનો ચૂનો લાગ્યો હતો.મળતી વિગત પ્રમાણે, ગાંધીનગર જિલ્લાના માણસાના એક 32 વર્ષીય ખેડૂતે સીઆઈડી ક્રાઈમમાં તેની પત્નીને કેનેડામાં પરમેનન્ટ રેસિડન્સી અપાવવાના બહાને તેની સાથે ₹48.02 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ગાંધીનગરના સેક્ટર-16 માં કાર્યરત એક વિઝા કન્સલ્ટન્સી અને તેના સહયોગીઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ફરિયાદ મુજબ, તેની પત્નીને પહેલા વર્ક પરમિટ મળશે અને એક વર્ષની નોકરી પછી તેને પીઆર (PR) મળી જશે તેવો આરોપીએ વિશ્વાસ અપાવ્યો હતો.12 નવેમ્બર, 2022 ના રોજ આ અંગેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેણે આક્ષેપ કર્યો હતો કે તેણે ચેક દ્વારા ₹10 લાખ ચૂકવ્યા હતા, ત્યારબાદ RTGS દ્વારા ₹5 લાખ ટ્રાન્સફર કર્યા હતા અને કલોલની એક ઓફિસમાં મધ્યસ્થીઓ દ્વારા ₹28 લાખ રોકડા ચૂકવ્યા હતા. તેણે પ્રોસેસિંગ અને ડોક્યુમેન્ટેશન પાછળ ₹1 લાખ ખર્ચ્યા હોવાનો પણ દાવો કર્યો હતો.
તેણે જણાવ્યું કે તેની પત્નીએ અમદાવાદમાં મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા અને સૂચના મુજબ દસ્તાવેજો સબમિટ કર્યા હતા. ત્યારબાદ તેને કહેવામાં આવ્યું કે LMIA લેટર અને પાસપોર્ટ રિક્વેસ્ટ ઇશ્યૂ કરવામાં આવી છે. ઓક્ટોબર 2023 માં, અમદાવાદમાં વિઝા એપ્લિકેશન સેન્ટર પર વર્ક વિઝા સ્ટેમ્પ મેળવ્યા પછી તેની પત્ની ટોરોન્ટો જવા રવાના થઈ હતી.ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્યાં પહોંચતા જ કેનેડિયન ઇમિગ્રેશન સત્તાવાળાઓએ જણાવ્યું કે LMIA માં જે કંપનીનું નામ છે તેણે કોઈ જોબ ઓફર આપી નથી. તેમણે વર્ક લેટરને અમાન્ય ગણાવ્યો અને તેની પત્નીને ટોરેન્ટોથી ભારત પરત ફરવા અથવા શરણાર્થી સ્ટેટસ માટે અરજી કરવા જણાવ્યું હતું. તેની પત્ની 29 ઓક્ટોબર, 2023 ના રોજ ભારત પરત ફરી હતી.
ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે તેણે હવાઈ ભાડું, કાનૂની સલાહ અને કેનેડામાં મિસીસૌગાના એક વકીલને ચૂકવેલા 2,000 કેનેડિયન ડોલર સહિત વધારાના ₹4.02 લાખ ખર્ચ્યા હતા. તેણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ડિસેમ્બર 2023 સુધીમાં કન્સલ્ટન્સીની ઓફિસ બંધ થઈ ગઈ હતી અને ફોન સ્વિચ ઓફ હતા. મુખ્ય આરોપીઓ પૈકીનો એક દુબઈ ભાગી ગયો હતો. જોકે તેઓએ તેને ખાતરી આપી હતી કે તેઓ તેની પત્નીને ફરીથી મોકલશે અથવા પૈસા પાછા આપશે, પરંતુ તેણે આક્ષેપ કર્યો હતો કે કોઈ રિફંડ આપવામાં આવ્યું નથી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ એકબીજા સાથે મળીને, કેનેડા પીઆર પ્રક્રિયાના ખોટા આશ્વાસનો આપીને છેતરપિંડીથી અમારી પાસેથી પૈસા પડાવ્યા છે. આમે કેનેડા જવાની લાલચમાં છેતરપિંડી થઈ હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.





