નવસારી જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોક એટલેકે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ ઝડપાયેલા આરોપીઓનું બીલીમોરા શહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બીલીમોરા શહેરમાં આતંક મચાવનાર કુખ્યાત તીસરી ગલી ગેંગના સભ્યો સામે કરવામાં આવી હતી. બીલીમોરા શહેરમાં આ તીસરી ગલી ગેંગનો આતંક ખૂબ જ વધી ગયો હતો.
આ ગેંગના સભ્યો દ્વારા લૂંટફાટ, મારામારી, ધાકધમકી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જોયો હતો. પોલીસે આ ગેંગના સાત સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસે આ ગેંગને કાયદાનો પાઠ ભણાવવા માટે એક અનોખી રીત અપનાવી હતી. આરોપીઓને જાહેરમાં સરઘસ સ્વરૂપે ફેરવવામાં આવ્યા હતા.જેથી અન્ય ગુનાહિત તત્વોને પણ કડક સંદેશ મળ્યો હતો. આ કાર્યવાહીથી પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ હતી અને લોકોમાં પોલીસ પ્રત્યે રહેલો વિશ્વાસ પણ વધ્યો હતો. આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાથી પોલીસને લાંબા સમય સુધી આરોપીઓને કસ્ટડીમાં રાખવાની અને તેમના ગુનાહિત નેટવર્કને તોડી પાડવાની સત્તા મળે છે. આ કાયદો સંગઠિત ગુનાખોરી અને આતંકવાદને નાથવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.